Mysamachar.in-ગાંધીનગર:
કોઈ કાંઈ જોતું નથી. કોઈ કાંઈ પૂછતું નથી. બધે જ લાલિયાવાડીઓ ચાલી રહી છે. લોકોના મુખે સાંભળવા મળતાં આ શબ્દો, રાજ્યમાં બધે જ સાચા છે. રાજ્યના પાટનગરમાં પણ, જ્યાં ખુદ સરકાર બેઠી છે. એક શખ્સ ગાંધીનગરમાં પાંચ પાંચ વર્ષથી નકલી કોર્ટ ચલાવતો હતો. જે કોર્ટનો પોતે નકલી જજ હતો. હવે છેક, એક FIR નોંધાયા બાદ, આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું. અહીં મહત્ત્વપૂર્ણ સવાલ એ છે કે, પાટનગરમાં આ બાબતે સૌ સંબંધિતો અત્યાર સુધી ઘોરતાં રહ્યા ?! અને, અન્ય એક નોંધપાત્ર બાબત એ છે કે, આ શખ્સ વિરુદ્ધ 2015માં અમદાવાદમાં છેતરપિંડીનો એક ગુનો પણ નોંધાયેલો છે. છતાંયે, 2019થી 2024 સુધી આ શખ્સનો નકલી કોર્ટ-જજ તરીકેનો ધંધો ધમધોકાર ચાલતો રહ્યો. ગાંધીના નગરમાં ગઠિયાઓ બિંદાસ.
આ શખ્સનું નામ મોરીસ છે. તે ખુદ નકલી જજ તરીકે, નકલી કોર્ટમાં વિવાદી જમીનો બાબતે નકલી આદેશો ફરમાવતો હતો. આવા કેટલાંયે કેસ આ કૌભાંડમાં હવે બહાર આવ્યા. ખરેખર તો, વિવાદી જમીનની માલિકી નક્કી કરવાની બાબતમાં સ્થાનિક કલેક્ટર તંત્રને પક્ષકાર બનાવવામાં આવતું હોય છે. આથી ગાંધીનગર કલેક્ટર ઓફિસે ધાર્યું હોત તો, આ શખ્સ પાંચ વર્ષ અગાઉ પ્રથમ કૌભાંડમાં જ ઝડપાઈ ગયો હોત. આ હકીકત પરથી એવી પણ શંકાઓ વ્યક્ત થઈ શકે કે, ગાંધીનગર તંત્ર આ કૌભાંડ પાંચ વર્ષથી જાણતું હતું.
હવે કલેક્ટર કચેરીના બે સરકારી વકીલોએ આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી. અગાઉના આવા મામલામાં ફરિયાદ દાખલ શા માટે ન થઈ ? તેની તપાસ થાય તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે. સામાન્ય લોકોની માન્યતાઓ એવી હોય છે કે, ‘અસલી’ ની સામેલગીરી અથવા કથિત બેદરકારીઓ વગર ‘નકલી’ ધંધો કરી જ ન શકે.
મોરીસ નામનો આ શખ્સ કરોડોની કિંમતની જમીનોના નકલી દાવેદારોની તરફેણમાં, નકલી કોર્ટ-જજ તરીકે એવોર્ડ(આદેશ) આપતો હતો, એવું આ ફરિયાદમાં લખાવાયું છે. ત્યારે, સવાલ એ પણ છે કે, ગત્ પાંચ વર્ષ દરમિયાન તેણે નકલી કોર્ટ-જજ તરીકે આ પ્રકારના જે પણ આદેશ આપેલાં હોય, તેની જેતે સમયે ખરાઈ કરવાની જવાબદારીઓ કોની કોની હતી ? એ પ્રશ્નનો ઉત્તર કૌભાંડની વિગતો પર પ્રકાશ પાડી શકે. પરંતુ એક હકીકત એ છે કે, ‘નકલી’ બાબતે મોટેભાગે માત્ર ઉહાપોહ જ મચતા હોય છે, જાહેર થયા બાદ ‘અસલી’ આવા મામલાની તપાસમાં કયારેય ફોલોઅપ જાહેર કરતાં નથી, ફોલોઅપ બહાર આવતાં નથી. આ પ્રકારનો વધુ એક ઉહાપોહ આજે નકલી કોર્ટ-જજ મામલે શરૂ થયો છે, બેચાર દિવસ બાદ આ મામલો ભૂલાઈ જવાની શકયતાઓ ભારોભાર છે.