Mysamachar.in:દેવભૂમિ દ્વારકા:
જગવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં લાખો લોકો બહારથી આવે છે, પરંતુ સ્થાનિક નગરપાલિકા સંપૂર્ણ રેઢિયાળ હોય- લાખો લોકો દ્વારકા અને ગુજરાતની ‘નબળી’ છાપ સાથે અહીંથી વિદાય લ્યે છે. વર્ષોથી આ પ્રકારની શરમજનક સ્થિતિઓ છતાં, પાલિકા તંત્રને નથી કોઈ સુધારતું કે નથી કોઈ ઠમઠોરતું. જેને કારણે દિનપ્રતિદિન આ ધર્મનગરીની પ્રતિષ્ઠાને કલંક લાગી રહ્યું છે.
યાત્રાધામ દ્વારકા ખાતે વર્ષ દરમ્યાન લાખો ભાવિકો દર્શન અર્થે આવે છે અને શિવરાજપુર બીચ તથા સુદર્શન બ્રિજ જેવા કારણોસર લાખો સહેલાણીઓ પણ દ્વારકાની મુલાકાત લ્યે છે. જેને કારણે દ્વારકા શહેરમાં કાયમ માટે સ્થાનિકો ઉપરાંત બહારના લોકોની ભારે અવરજવર રહે છે. પરંતુ નગરપાલિકા રખડતાં પશુઓના નિયંત્રણ બાબતે વર્ષોથી સદંતર નિષ્ક્રિય છે. જેને કારણે હજારો લોકોના જિવ પડીકે બંધાયેલા રહે છે અને અકસ્માતોની પણ ભીતિ રહે છે.
દ્વારકા શહેરના લગભગ તમામ મુખ્ય વિસ્તારોમાં રખડતાં પશુઓ અને ખાસ કરીને ખૂંટીયાઓનો ભયાનક ત્રાસ છે. અવારનવાર ખૂંટીયાઓ વચ્ચે આંતરિક લડાઈ થતી હોય છે. આવા જંગને કારણે લોકોના વાહનોનો કચ્ચરઘાણ નીકળે છે, વેપારીઓની દુકાનોના તથા શોરૂમના સામાનને નુકસાન થાય છે, ઢોર હોટેલમાં પણ ઘૂસી જાય છે, લોકોને ઢીંકે ચડાવી ફેંકી દે છે, કચડી નાંખે છે, પશુઓને કારણે અકસ્માતો થાય છે અને ગલીઓ તથા રસ્તાઓ પર આ પશુઓને કારણે છાણ-મૂત્રની બેફામ ગંદકી પણ જોવા મળે છે, જેની સફાઈ પણ નિયમિત થતી નથી.
આ ઉપરાંત દ્વારકા શહેર નાનું છે અને સ્થાનિક તથા બહારના વાહનોની અવરજવર મોટી રહેતી હોય પાર્કિંગ તથા ટ્રાફિક જામની સમસ્યાઓ પણ જોવા મળે છે. આ બધી બાબતોને કારણે બહારથી આવતાં લાખો લોકો અહીંની ખરાબ ‘છાપ’ લઈને જાય છે અને સ્થાનિક લોકો કાયમ માટે આ બધી સમસ્યાઓને કારણે પરેશાન છે.
પશુઓ અને ખાસ કરીને ખૂંટીયાઓના ત્રાસ અને લડાઈના અત્યાર સુધીમાં અનેક વીડિયોઝ વાયરલ થતાં રહે છે. ભૂતકાળમાં મહાનુભાવોની ઉપસ્થિતિવાળા કાર્યક્રમમાં રખડતું પશુ ઘૂસી ગયું હોય એવો વીડિયો પણ વાયરલ થયેલો ! આમ છતાં પાલિકાનો કાન કોઈ ‘આમળી’ શકતું નથી ! શાસન ખુદમાં મસ્ત હોય એવી હાલત જોવા મળી રહી છે.
-પ્રિ-મોન્સૂન કામગીરીઓની પોલ પણ ઉઘાડી પડી ગઈ…
દ્વારકા નગરીમાં પાલિકા અને વીજતંત્ર ચોમાસા અગાઉની પોતાની કામગીરીઓનો ‘જશ’ લેતાં હોય છે, લાખોના ખર્ચ થતાં હોય છે પરંતુ બે દિવસના સામાન્ય છાંટા સમાન વરસાદમાં આ તમામ કહેવાતી કામગીરીઓની પોલ છતી થઈ ગઈ છે. દ્વારકામાં સફાઈનો અભાવ હોય, હાલ ઠેરઠેર રસ્તાઓ પર અને ગલીઓમાં ‘રબડી’ જોવા મળી રહી છે અને વરસાદના બેચાર છાંટા પડતાં જ વીજપૂરવઠો ગાયબ થઈ જવાની શહેરમાં રાડ ઉઠી છે, હજારો લોકો હેરાન પરેશાન છે. આમ દ્વારકા શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરીઓની પણ એક જ હળવા વરસાદમાં તણાઈ ગઈ !!