Mysamachar.in-જામનગર:
જામનગરમાં જીજી હોસ્પિટલની જૂની અને મુખ્ય ઈમારત(OPD બિલ્ડીંગ) તોડી પાડવામાં આવી રહી છે. આ જગ્યાએ આઠ માળની નવી ઈમારતનું નિર્માણ થશે, જેમાં વધુ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આવતીકાલે 20મી એ વડાપ્રધાન ભાવનગરની મુલાકાત લેનાર છે ત્યારે ત્યાંથી, તેમના હસ્તે જામનગરમાં બનનારી આ હોસ્પિટલની નવી ઈમારતનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.
જૂની ઈમારતની પાડતોડ શરૂ કરી દેવામાં આવી છે. વિવિધ વિભાગો અન્ય જગ્યાઓ પર કાર્યરત છે. આ ઈમારત સંપૂર્ણ પાડી નાંખવામાં આવ્યા બાદ અહીં આશરે 1,47,617 ચોરસ મીટર જેટલી ખુલ્લી જગ્યા પર 8 માળનું નવું હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવામાં આવશે. આ બિલ્ડીંગમાં કુલ 2,071 બેડ હશે. 235 ICU બેડ હશે અને અતિ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઈમારત રૂ. 525.10 કરોડના ખર્ચથી તૈયાર થશે એમ તંત્ર દ્વારા હાલ જાહેર કરવામાં આવ્યું છે.
આ નવી હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ હશે એવો તંત્રનો દાવો છે. આ નવી ઈમારતમાં હાલના તમામ વિભાગો ઉપરાંત સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગો જેવા કે, ન્યૂરોલોજી- યુરોલોજી- કાર્ડિયાક- કાર્ડિયોથોરાસીસ અને નેફ્રોલોજી સહિતના વિભાગોનો ઉમેરો કરવામાં આવશે. જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લો અને પોરબંદર સહિતના નજીકના વિસ્તારોના લાખો લોકોને આ નવી સુવિધાઓનો લાભ મળી શકશે.
