Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના નાગરીકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે ગુજરાત એસ.ટી દ્વારા વધુ સેવાઓ આપવાનું સફળ આયોજન કરાયું છે. જે અંતર્ગત એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની માંગણીનુસાર રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1400 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર નિગમના દરેક વિભાગો ખાતે વેકેશન સમયે મુસાફરોને સલામત અને સમયબદ્ધ મુસાફરીની પુરતી સુવિધા મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉનાળા વેકેશન સમયગાળા દરમિયાન એસ.ટી નિગમ દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર- તરફ અંદાજે 500 ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે 210, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત 300 અને સૌરાષ્ટ્ર તરફ 300 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસ.ટી નિગમ દ્વારા ગુજરાતમાંથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યના નાગરીકો ઉનાળા વેકેશન દરમિયાન વિવિધ પ્રવાસન સ્થળોની સાથે સાથે ધાર્મિક સ્થળોના દર્શને પણ જઈ શકે તે માટે નવી ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદથી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે રોજની 10 ટ્રીપ અને ડાકોર, પાવાગઢ, ગીરનાર માટે રોજની 5 ટ્રીપ તથા પ્રવાસન સ્થળો જેવા કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર, સાપુતારા માટે અમદાવાદથી રોજની 5 ટ્રીપ તેમજ દીવ અને કચ્છનાં પ્રવાસ માટે અમદાવાદથી રોજની 10 બસોની ટ્રીપોનો આયોજન એસ,ટી નિગમ દ્વારા કરવામાં આવે છે.
આ ઉપરાંત આંતરરાજ્ય પ્રવાસ માટે રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જવા માટે અમદાવાદથી રોજની બે ટ્રીપ તેમજ મહારાષ્ટ્રના શિરડી, નાશિક, ધુલીયા જેવા આંતરરાજ્ય સ્થળોએ મુસાફરી માટે અમદાવાદના ગીતા મંદિરેથી બે રોજની બે ટ્રીપોનું આયોજન કરવામાં આવે છે.
