Mysamachar.in-વલસાડઃ
ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, તેમ છતા છાશવારે લાખો રૂપિયાની કિંમતનો દારુ પકડાઇ રહ્યો છે, ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે દારૂ પહોંચાડવાનું નેટવર્ક ચલાવનારા લિકર કિંગ તરીકે કુખ્યાત રમેશ ઉર્ફે માઇકલ પટેલના નાની દમણ સ્થિત ભીમપોરના ત્રણ ગોડાઉનમાં એક્સાઇઝ વિભાગની ટીમે રેડ કરી 8600 જેટલા દારૂની પેટી જેની કિંમત અંદાજે રૂપિયા 3 કરોડ તથા 8 કાર, 6 ટેમ્પા અને 2 બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન રમેશ ઉર્ફે માઇકલનો પુત્ર સહિત 12 ઇસમોની ધરપકડ પણ કરવામાં આવી છે. ભીમપોર સ્થિત દારૂના ત્રણ ગોડાઉનમાં એક સાથે જ રેઇડ કરાતા અફરાતફરી મચી હતી. કડૈયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ રજનીકાંત અવધિયા અને એક્સાઇઝના સંયુક્ત ઓપરેશનમાં ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ગેરકાયદે સપ્લાયનો રાખવામાં આવેલા આ દારૂના જથ્થાનું કોઇપણ જાતનું બિલિંગ કે એક્સાઇઝ ડ્યૂટી ભર્યું ન હોવાનું બહાર આવ્યું છે.
ગુજરાત પોલીસમાં રમેશ માઇકલ સામે 40થી વધુ કેસો નોંધાયા છે જેમાં હજુ પણ કેટલાક કેસોમાં વોન્ટેડ છે. રમેશ ઉર્ફે માઇકલ પટેલને ત્યાં વર્ષ 2017માં ઓલપાડ પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાયા બાદ તપાસમાં માઈકલનું નામ ખુલતા ઈડીએ રેડ કરી હતી. જે દરમિયાન બે કરોડની ત્રણ લકઝરિયસ કાર, 2.54 કરોડનો દારૂનો બેનામી સ્ટોક તથા 100 કરોડથી વધુના પ્રોપટી દસ્તાવેજ સીઝ કર્યા હતા. જોકે, દમણમાં લીકર માફિયાને ત્યાં ઇડીના દરોડા બાદ એવી પણ ચર્ચા જાગી હતી કે, દમણનો રમેશ પટેલ છેલ્લા 20થી વધુ વર્ષથી ગેરકાયદે દારૂનો સપ્લાય ગુજરાતમાં કરી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રમેશ પટેલ ગુજરાતના બુટલેગરોને વોટસઅપ મેસેજથી સંપર્ક કરી દારૂ સપ્લાય કરતો હતો. ગુજરાતના બુટલેગરોને દારુનું વેચાણ કરીને જુલાઈથી ઓકટોબર ૨૦૧૬ સુધીમાં આંગડિયા મારફતે રૂપિયા ૬,૩૭,૬૧,૩૫૦ હવાલાથી નાણાં લીધા હોવાનું બહાર આવ્યું હતું.
કોણ છે રમેશ ઉર્ફ માઇકલ પટેલ ?
રમેશ પટેલ મૂળ મહેસાણાનો છે. જે તે સમયે રમેશને દીવ, દમણ અને ગોવા એક્સાઇઝ એક્ટ ૧૯૬૪ હેઠળ માત્ર દારુ સ્ટોક કરવાનું લાઇસન્સ મળ્યું છે, બાદમાં રમેશ પર આરોપ છે કે તે ૩ હજાર સ્કવેર મીટરના વેરહાઉસમાં દારુ સ્ટોર કરે છે જેનું લાઇસન્સ નથી. દમણમાં રમેશ પટેલની ચાર વાઇન શોપ છે જેમાં બે વાઇન શોપ પત્નીના નામે છે એટલે કે લાઇસન્સ પત્નીના નામે છે. સાઇ વાઇન શોપ, સાઇ એન્ટરપ્રાઇઝ, સાંઇ બાર એન્ડ રેસ્ટોરન્ટ, દમણિયા એન્ટરપ્રાઇઝ એન્ડ વાઇન શોપ છે. દમણનો લિકર કિંગ રમેશ ઉર્ફે માઇકલ સમગ્ર ગુજરાતમાં દરેક શહેરમાં ગેરકાયદે દારૂ ઘુસાડવાની પ્રવૃતિમાં સામેલ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.