Mysamachar.in-અમદાવાદ:
વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, 2023નું વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ રહ્યું. સાથે-સાથે વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું કે, અત્યાર સુધીમાં સૌથી ગરમ માર્ચ મહિનો 2024માં રહ્યો. અને, ભારતીય હવામાન વિભાગે એવી પણ આગાહી કરી કે, આ વર્ષે ઉનાળો આકરો રહેશે અને એપ્રિલથી જૂન એમ 3 મહિનાઓ નોંધપાત્ર ગરમીનો અનુભવ થશે. આંકડાઓ કહે છે, ગુજરાતમાં માર્ચ પણ આકરો રહ્યો. એટલે કે, ઉનાળો ચાર મહિનાનો. આ બધી જ બાબતોથી ગુજરાતના નાગરિકોને પસીનો છૂટી ગયો છે. માર્ચ મહિનાએ પણ રંગ દેખાડ્યો છે. અને, એપ્રિલ એથી પણ આકરો સાબિત થઈ રહ્યો છે.
ગુજરાતના આંકડાઓ કહે છે, પાછલાં 40 દિવસમાં રાજ્યમાં ગરમીને કારણે નાગરિકો એટલી હદે પરેશાન થઈ ગયા કે, લોકોએ ગરમીની વિવિધ બિમારીને કારણે સત્તાવાળાઓને 40,000 કોલ્સ કરવા પડ્યા. અને, એથી પણ વધુ ગંભીર બાબત એ રહી કે, પાછલાં માત્ર 9 દિવસમાં એટલે કે, 216 કલાકમાં રાજ્યમાં 1,549 લોકો આકરા તાપના કારણે બેભાન થઈ ગયા. દર એક કલાકે રાજયમાં સાત લોકો ગરમીથી બેભાન થઈ રહ્યા છે.
આ આકરા ઉનાળાને કારણે રાજ્યમાં ઝાડા ઉલટીના કેસોમાં 32 ટકાનો ઉછાળો નોંધાયો છે. લોકોના શરીરમાં પાણી ઘટી જવાના બનાવો સતત વધી રહ્યા છે. હોસ્પિટલોમાં ખાસ કરીને ઓપીડી વિભાગમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે. ગરમીને કારણે માથાનાં દુખાવાની ફરિયાદો પણ વધી રહી છે, હોસ્પિટલ ન જતાં લોકોનો આંકડો પણ સારો એવો હશે પણ માથાના દુખાવા માટે હોસ્પિટલ પહોંચી રહેલાં લોકોની સંખ્યામાં પણ 27 ટકાનો વધારો થયો. અમદાવાદ અને રાજકોટ જેવા શહેરો અને ઉત્તર ગુજરાતના કેટલાંક શહેરોમાં તો રીતસર અગન વરસી રહી છે.
ભયંકર ગરમીના કારણે લોકોને પેટના દુખાવાની ફરિયાદો પણ વધી ગઈ છે. અમદાવાદ જેવા શહેરોમાં તો 108 એમ્બ્યુલન્સ સતત આ પ્રકારના દર્દીઓને રાતદિવસ હોસ્પિટલ લઈ જઈ રહી છે. લોકોએ આ સ્થિતિમાં સીધાં સૂર્યપ્રકાશથી બચવાની ટેવો કેળવવી પડશે. ટોપી, નેપકીન, છત્રી અને ઓઢણી તથા ચશ્મા જેવી ચીજોનો ઉપયોગ વધારવો હિતાવહ રહે. બહુ અગત્યનું કામ હોય તો જ ગરમીમાં બહાર નીકળવું જોઈએ. દિનચર્યામાં સવાર સાંજના સમયમાં વર્કઆઉટ અને બપોરના સમયે આરામની ટેવ પાડવી પડશે અથવા વધારવી પડશે. કેમ કે, હવે વરસોવરસ ગરમીનું પ્રમાણ વધતું જ રહેવાનું છે. સન સ્ટ્રોક અને હીટ સ્ટ્રોકથી બચવા વધુને વધુ લોકોએ પોતાની લાઈફ સ્ટાઈલમાં નવા નવા ફેરફાર કરવા અંગે વિચારવું પડશે. પ્રાથમિક શાળાઓમાં બપોરની શિફ્ટ જ રદ્દ કરવા અંગે પણ વિચારવું જોઈએ.