Mysamachar.in-અમદાવાદ:
દિવસે ને દિવસે સાઈબર ક્રાઈમના કિસ્સાઓ વધી રહ્યા છે, ટ્રાન્જેક્શન થયું અને રૂપિયા ઉપડી જાય તે હજુ સમજાય પણ કોઈ ટ્રાન્જેક્શન ના કર્યું અને રૂપિયા ઉપડી જાય અને ઘરે બીલ આવે તો..જી હા આવું થયું છે અમદાવાદના એક યુવક સાથે… અમાદવાદના નિકોલમાં રહેતા યુવકની જાણ બહાર કોઈ અજાણ્યા શખ્સ તેમના ક્રેડિટ કાર્ડમાંથી રૂ.93 હજાર કોઈપણ રીતે મેળવી લીધા હતા. જોકે ક્રેડિટ કાર્ડના બિલ માટે એક યુવક ઉઘરાણી કરવા ભોગ બનનારના ઘરે ગયો ત્યારે યુવકને તેના ક્રેડિટ કાર્ડમાંથી રૂ.93 હજાર કપાઈ ગયા હોવાની જાણ થઈ હતી.
એક દુકાનમાં નોકરી કરતા શૈલેષભાઈ ઘરે હાજર હતા ત્યારે એક યુવક તેમના ઘરે આવીને એસબીઆઈ ક્રેડિટ કાર્ડ તરફ્થી આવ્યો છું તમારું ક્રેડિટ કાર્ડનું બિલ બાકી છે તો ભરપાઈ કરતા નથી તેમ કહી ઉઘરાણી કરવા લાગ્યો હતો. આથી શૈલેષભાઈએ ક્રેડિટ કાર્ડમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું ન હોવાનું જણાવ્યું હતું, આથી આ યુવકે ક્રેડિટ કાર્ડમાંથી સ્ટેટમેન્ટ કઢાવવાનું કહેતા શૈલેષભાઈએ ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ કઢાવ્યું ત્યારે તેમના કાર્ડમાંથી રૂ.93 હજાર ડેબિટ થયા હોવાનું જાણવા મળ્યું હતું. શૈલેષભાઈને તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, કોઈ અજાણ્યો શખ્સ વિગતો મેળવીને જાણ બહાર કાર્ડમાંથી 93 હજાર વાપરી નાખ્યા છે. આ અંગે શૈલેષભાઈએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈ સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.