Mysamchar.in-અમદાવાદ:
લોકસભા ચૂંટણીઓના પ્રચાર દરમિયાન શાસકપક્ષે જોરદાર વિકાસ અને મજબૂત અર્થતંત્ર મુદ્દે અખબારોને રોજ હેડલાઈન આપી અને ટીવીને સતત બ્રેકિંગ ન્યૂઝ આપ્યા. વડાપ્રધાન અને અમિત શાહ સતત બોલતાં રહ્યા કે, ભારતનું અર્થતંત્ર દુનિયામાં પ્રસંશા પામી રહયું છે. આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમિ બની રહ્યા છીએ. પરંતુ મતદારોને પોતાની થાળીની રોટલીની ચિંતાઓ હતી.
કરોડો લોકોની થાળીમાં બેરોજગારીને કારણે રોટલી પહોંચતી નથી. અને કરોડો લોકોને રોટલીની મોંઘી કિંમતો અકળાવી રહી છે. આ કરોડો મતદારોને મન રામમંદિર અને કાશ્મીરની કલમ 370 કરતાં રોટલો મોટી વાત છે, CAAની વાતો અને PoK આપણું છે એવા બ્રેકિંગ ન્યૂઝ કે પછી કોમન સિવિલ કોડ જેવી બાબતો સાથે આ દેશના સરેરાશ મતદારને ઓછી નિસબત છે, આ મતદારો માટે રોટલી-રોટલો રોજની ચિંતાઓ છે. આ હકીકત સરકાર ભૂલી ગઈ, કદાચ. અને, આ ભૂલ ચૂંટણીઓના પરિણામમાં દેખાઈ ગઈ- એમ રાજકીય નિરીક્ષકો હવે કહી રહ્યા છે.
કોરોના પછી પાછલાં ત્રણ વર્ષ દરમિયાન બિઝનેસ અને વિકાસ અને અર્થતંત્ર અને GDPની વાતોને સમાચારોમાં ચમકાવવામાં આવી, તે સમયે કરોડો મતદારોને રોજગાર અને પેટની ભૂખ સતાવતી હતી. આ ભૂખ અને સરકારની આ ભૂલ મતગણતરીઓ વખતે સામે આવી ગઈ. કરોડો મતદારોએ વિપક્ષને બળવાન બનાવી દીધો, સરકારને કમજોર બનાવી દીધી. રોજગારી અને મોંઘવારી કરોડો મતદારો માટે મહત્ત્વના મુદ્દાઓ રહ્યા.
ખુદ સરકારના આંકડાઓ કહે છે, અર્થતંત્રનો વિકાસ, બિઝનેસ ડેવલપમેન્ટ અને જીડીપીના સારાં આંકડાઓ છતાં રોજગારી સર્જન ન થયું. કરોડો લોકોની બચત મોંઘવારીને કારણે ઘટી. કરોડો લોકો નોકરીઓ માટે તલસે છે. લોકોએ નાછૂટકે નાના સ્વ રોજગાર શોધવા અને કરવા પડે છે જેની આવક મોંઘવારી સામે ટૂંકી પડે છે. આ બધી જ બાબતો હવે સામે આવી ગઈ. પરિણામોથી ચિત્ર સ્પષ્ટ થયું.
દરેક 100 નાગરિકો પૈકી 46 નાગરિકોએ ઓછાં વેતનથી ખેતમજૂરી કરવી પડે છે. તેઓ મોંઘવારીનો સામનો કરી શકે એવી એમની આવક નથી. અર્થતંત્રના તોતિંગ કદ અને રોજગાર સર્જન વચ્ચેની લિંક તૂટી ગઈ. યુવકો અને યુવતિઓ પરિવારો પર બોજ બની રહ્યા છે. પરિવારોના સભ્યો આપઘાત કરી રહ્યા છે. મોટાં શહેરોની ચમકદમક જ ભારત નથી. કોરોના લોકડાઉન સમયે ઘરે ભાગી ગયેલાં કરોડો શ્રમિકો આજે વતનમાં ગરીબીમાં સબડે છે. તેઓ પરત બીજા રાજ્યોમાં રોજગાર પ્રાપ્ત કરી શક્યા નથી.
ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર જેવા ઘણાં રાજ્યોમાં લોકો કામ કરવા આતુર છે. કામ શોધે છે. કામ મળતું નથી. વાડીખેતરો કેટલાં મજૂરોને રોજગારી આપી શકે. યુવાઓ હતાશ છે. બેફામ મોંઘવારી અને ફૂગાવો (નાનો થતો જતો રૂપિયો અને બધી ચીજોના ખોટાં મોટાં ભાવોનો ફૂગાવો) કરોડો લોકોને ભરડો લઈ બેઠાં છે, તેમને AI ટેકનોલોજી કે ઐતિહાસિક નિર્ણયો સાથે કોઈ જ લેવાદેવા નથી. આ કરોડો લોકોએ પણ મતદાન કર્યું છે. તેઓ નારાજ મતદારો છે, રસ્તો શોધે છે.