Mysamachar.in-જામનગર:
સૌ જાણે છે એમ, મોંઘવારી રાજાની કુંવરીની માફ્ક રોજેરોજ વધી રહી છે. ખાનગી શાળાઓનાં સંચાલકો યેનકેન પ્રકારે FRC સમક્ષ તિકડમો રચી પોતાની શાળા માટે દર વર્ષે ફી વધારો મંજૂર કરાવી લેતાં હોય છે, આ સ્થિતિમાં પણ જો કોઈ શાળા ફી વધારવાને બદલે ઘટાડે તો સ્વાભાવિક છે કોઈને પણ અચરજ થાય. અને, વાલીઓમાં ચાલતી ચર્ચાઓ મુજબ, ઘણાં લોકોને શંકાઓ પણ સળવળે !
જામનગરની ક્રિષ્ના સાયન્સ સ્કૂલ (અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ)માં પાછલાં પાંચ વર્ષ દરમિયાન વિવિધ ધોરણોની વાર્ષિક ફી માં કેટલો ઘટાડો કરવામાં આવ્યો.? એ અંગેનાં આંકડાઓ, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા Mysamachar.inને બધી જ શાળાઓનાં આંકડાઓની જે યાદી મોકલવામાં આવી છે, તેમાં દર્શાવાયા છે.
આ યાદી મુજબ: વર્ષ 2017/18માં ક્રિષ્ના સાયન્સ સ્કૂલ (ગુજરાતી માધ્યમ) દ્વારા ધોરણ 9 થી ધોરણ 12 નાં છાત્રો પાસેથી વસૂલવામાં આવતી ફી આ મુજબ છે: ધોરણ 9- રૂ. 52,000 ધોરણ 10- રૂ. 52,000_ ધોરણ 11અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે રૂ. 52,000 તથા ધોરણ 11તથા ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ માટેની ફી રૂ. 1,00,000 હતી. વર્ષ 2022/23 માં ધોરણ 9- ધોરણ 10 – ધોરણ 11 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માં ફી રૂ. 49,350 અને ધોરણ 11 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટેની વાર્ષિક ફી રૂ. 94,500 છે. આ ઉપરાંત આ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં પણ ધોરણ 9 થી ધોરણ 12 સુધી ફી નું ધોરણ આ જ છે. ગમે તે માધ્યમમાં ભણો, ફી નો ઘટાડો સૌને મળે !
આ પ્રકારના આંકડાઓને કારણે ઘણાં વાલીઓ ખાનગીમાં એમ પણ ચર્ચાઓ કરી રહ્યા છે કે, પૂરતાં છાત્રો ન મળવાને કારણે આ શાળામાં, મોંઘવારી રોજેરોજ વધી રહી હોવા છતાં, પાંચ વર્ષમાં ફી ઘટી છે !! અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, જામનગરની ઘણી શાળાઓ મોટી મોટી જાહેરાતો કરતી હોય છે પરંતુ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓનાં પરિણામો જાહેર થાય છે ત્યારે કેટલીક શાળાઓ મોટાં દાવાઓ કરી શકતી નથી ! આ હકીકત પણ મોટાભાગના વાલીઓ હવે સમજી રહ્યા છે.