Mysamachar.in:ગુજરાત
પહેલી મે નો દિવસ ગુજરાત માટે બમણું મહત્વ ધરાવે છે. આ દિવસ આંતરરાષ્ટ્રીય મજદૂર દિન તરીકે જગતભરમાં ઉજવવામાં આવે છે. આ જ દિવસે, 1960માં ગુજરાત રાજયની રચના થઈ. આ વર્ષે ગુજરાતમાં રાજ્યનાં સ્થાપના દિનની રાજયકક્ષાની ઉજવણી જામનગરમાં યોજવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન, સમગ્ર ગુજરાતમાં શ્રમિકોના વેતનવધારાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે ! રાજય સરકારે થોડાં સમય પહેલાં શ્રમિકોના લઘુત્તમ વેતનનાં દરો વધાર્યા. પરંતુ રાજ્યનું ઉદ્યોગકારો અને વેપારીઓનું સંગઠન – GCCI કહે છે : અમે શ્રમિકોને વેતનવધારો આપીશું નહીં. તેઓને વેતનવધારો આપવાથી વેપાર ઉદ્યોગ પર ભારણ વધી જશે. બીજી તરફ, શ્રમિક સંગઠનો કહે છે, રાજય સરકારે લઘુત્તમ વેતન દરમાં જે વધારો કર્યો છે – તે અપૂરતો છે. આ સ્થિતિમાં સરકારે લઘુત્તમ વેતન દરમાં વધારાની જે જાહેરાત કરી છે, તે જાહેરાતનો આડકતરી રીતે સાવ છેદ જ ઉડી ગયો !
ખેતમજૂરો, બાંધકામ ઉદ્યોગોનાં વગેરે શ્રમિકોના લઘુત્તમ વેતનનાં દરોમાં સરકારે 25 ટકાનો વધારો જાહેર કર્યો છે. ગત્ 27 માર્ચે સરકારે આ અંગે પરિપત્ર પણ જાહેર કર્યો હતો. જે અનુસાર, રાજ્યમાં બિનકુશળ કામદારનું લઘુત્તમ વેતન જે 363 હતું તે વધીને રૂ.450 થયું છે. એટલે કે આ શ્રમિકનુ વેતન જે અગાઉ માસિક રૂ.11,000 હતું તે વધીને રૂ.13,500 થયું છે. જો કે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ નામનાં વેપાર ઉદ્યોગ સંગઠને સરકારની આ જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો છે. ચેમ્બરનાં અગ્રણીઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, લઘુત્તમ વેતનનાં દરોમાં વધારો 15 ટકા સુધી મર્યાદિત રાખવો જોઈએ. ઉદ્યોગે આ સૂચન પાછળ ઉદ્યોગમાં અનિશ્ચિતતા હોવાનું કારણ પત્રમાં દર્શાવ્યું છે.
GCCIનાં પ્રમુખ પથિક પટવારી કહે છે, લઘુત્તમ વેતનનાં દરોમાં એક હદથી વધુ વધારો થશે તો ઉદ્યોગોની હાલત કફોડી બની જશે. જેથી શ્રમિકોમાં બેરોજગારી વધશે. તેથી GCCIએ વેતનમાં ક્રમશઃ વધારાની ફોર્મ્યુલા સૂચવી છે. જો કે, મજૂર સંગઠનો લઘુત્તમ વેતનનાં દરોમાં વધારાને અર્થતંત્રમાં ફાયદાકારક લેખાવ્યો છે. GCCIએ લઘુત્તમ વેતનનાં દરોમાં કરવામાં આવેલાં વધારાને ફૂગાવાના દર કરતાં વધુ ગણાવ્યો છે. બીજી તરફ મજૂર સંગઠનો કહે છે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો વેતનવધારો પૂરતો નથી. મજૂર સંગઠનોનાં અગ્રણીઓ કહે છે, કાયદા પ્રમાણે લઘુત્તમ વેતનનાં દરોમાં આ વધારો ખરેખર તો કામદારોને 2019થી મળવાપાત્ર હતો, જેની જાહેરાત ચાર વર્ષ બાદ કરવામાં આવી છે.
ગુજરાતમાં અંદાજે અઢી કરોડ જેટલાં કામદારો છે. જે પૈકી માત્ર પચાસ લાખ જેટલાં કામદારોને જ લઘુત્તમ વેતન કાયદા હેઠળ વેતન મળે છે ! જે પૈકી 33 લાખ કામદારો એવાં છે જેઓ સ્ટાન્ડર્ડ કંપનીઓમાં કામ કરે છે. બાકીનાં બે કરોડ જેટલાં કામદારોની બાબતમાં લઘુત્તમ વેતન કાયદાનું પાલન કરવા-કરાવવામાં આવતું નથી ! લઘુત્તમ વેતન મેળવવાનાં કાયદા હેઠળ કુલ 46 પ્રકારના કામદારોનો સમાવેશ થાય છે. કામદારોનો આ સૌથી મોટો વર્ગ છે. આ કામદારોનાં હિતોનું રક્ષણ થવું આવશ્યક છે. પરંતુ આ ક્ષેત્રમાં ખાસ જાગૃતિ જોવા મળતી નથી. જેથી શ્રમિકોનું આર્થિક શોષણ થતું રહે છે !






