Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં લિવ ઇન રિલેશનશિપ સંબંધિત ગુનાઓની સંખ્યા વધી રહી છે. ઓનર કિલિંગ અને ઝઘડાઓ જાણે કે રોજિંદી બાબતો બની રહી છે. આવી બાબતોમાં હુમલાઓ થતાં રહે છે અને હત્યાઓ પણ નોંધાતી રહે છે. આવો વધુ એક બનાવ જામનગર શહેરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે જેમાં ઈજાગ્રસ્ત યુવાનનું મોત થતાં મામલો હત્યા તરીકે જાહેર થયો છે.
અત્યાર સુધીમાં જાહેર થયેલી, આ મામલાની વિગતો એવી છે કે- આશરે 21 વર્ષનો આશિષ રાણાભાઈ અસવાર નામનો એક યુવાન ક્રિષ્ના કેશવાલા નામની એક યુવતિ સાથે પ્રેમસંબંધ ધરાવતો હતો અને કેટલાંક સમયથી તેઓ લિવ ઇન રિલેશનશિપમાં હતાં. તે દરમ્યાન આ સંબંધથી નારાજ એવા યુવતિના કેટલાંક પરિવારજનોએ આ યુવાનનું અપહરણ કરેલું અને ઢોરમાર મારી ફેંકી દીધો હતો. એવી વિગતો સાથેની FIR આ યુવતિએ ખુદે પોતાના પરિવારજનો વિરુદ્ધ નોંધાવી હતી.

દરમ્યાન, આશિષ નામનો આ ઈજાગ્રસ્ત યુવાન છેલ્લા બારેક દિવસથી સારવારમાં હતો. સારવારમાં જ આ યુવાને અંતિમ શ્વાસ લઇ લીધાં. આથી અપહરણ અને હત્યા પ્રયાસનો આ મામલો હવે મર્ડરનો બની ગયો. આ મામલાની તપાસ ચલાવી રહેલા સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.એ.ધાસુરાએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે, આ પ્રકરણમાં દાખલ થયેલી ફરિયાદમાં હવે મર્ડરની કલમનો ઉમેરો થશે અને બહુ ઝડપથી આરોપીઓને શોધી કાઢવામાં આવશે. આરોપીઓના સગડ પોલીસ દબાવી ચૂકી છે.

આ પ્રકરણમાં યુવતિએ અગાઉ પોતાના પિતા વિક્રમભાઈ, ફઈ નિરૂબેન અને ફુવા રામદેવભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવેલી જ હતી કેમ કે, બારેક દિવસ અગાઉ આ યુવાન માર મરાયેલી સ્થિતિમાં જામનગરના કનસુમરા નજીકથી મળી આવ્યો હતો. મૃતક આશિષ બ્રાહ્મણ પરિવારનો યુવાન હોવાથી ગત્ મોડીરાત્રે આ મોતની જાણ થતાં કેટલાંક બ્રાહ્મણ પરિવારો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં. આ સમગ્ર મામલામાં નોંધપાત્ર બાબત એ પણ છે કે, ફરિયાદી ક્રિષ્ના કેશવાલાને આ સમગ્ર મામલાની સૌ પ્રથમ જાણ પોતાની ફઈ સાથેની ટેલિફોનિક વાતચીતથી જ થઈ હતી. પોલીસ આ મામલાની તપાસ ઉંડાણથી ચલાવી રહી છે.
