Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના ગૃહવિભાગે ગુજરાત પ્રાઈવેટ સિકયોરિટી એજન્સી (રેગ્યુલેશન) નિયમો-2024 જાહેર કર્યા છે. આ નિયમો ઔદ્યોગિક અને રહેણાંક સહિતની જગ્યાઓ માટેની સિકયોરિટી એજન્સીઓ અને રોકડ રકમની હેરફેર કરતી સંસ્થાઓની સાથે સંકળાયેલી સિકયોરિટી એજન્સીઓને લાગુ પડશે. આ માટે અગાઉ બનાવાયેલા કાયદાઓ મુજબ, સિકયોરિટી એજન્સીઓએ કંટ્રોલિંગ એજન્સી પાસેથી ફરજિયાત રીતે લાયસન્સ મેળવવાનું રહેશે.
નવા નિયમો કહે છે: સિકયોરિટી એજન્સીના ગાર્ડ અથવા સુપરવાઈઝરે જો નિયત કરવામાં આવેલી 6 દિવસની તાલીમ લીધેલી નહીં હોય, તો તે સિકયોરિટી એજન્સીનું લાયસન્સ રદ્દ કરવામાં આવશે. તાજેતરમાં રાજકોટ અગ્નિકાંડ સહિતની આપત્તિઓની જવાબદારીઓ સંભાળતા ગૃહવિભાગે સિકયોરિટી કર્મચારીઓ વધુ સજ્જ રહે તે માટે આ નિયમો જાહેર કર્યા છે. ઔદ્યોગિક અને રહેણાંક સુરક્ષા માટેના જે ગાર્ડ હોય છે, તેમના માટે શારીરિક સજ્જતા સહિતના માપદંડો પણ નક્કી કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત આ પ્રકારના દરેક ગાર્ડ અને સુપરવાઈઝર માટે 6 દિવસની ફરજિયાત તાલીમ નિર્ધારીત કરવામાં આવી છે. જેમાં VIP સિકયોરિટી, આંતરિક સલામતી અને ઔદ્યોગિક સલામતી એવા વિભાગો નક્કી કરવામાં આવ્યા છે. આ બધી બાબતો ધ્યાન પર રાખી સિકયોરિટી કર્મચારીઓને ફાયર ફાઈટીંગ, ભીડ નિયંત્રણ, કુદરતી આપત્તિ કે સુરક્ષાને લગતી ઈમરજન્સી બાબતો, વિવિધ પ્રકારના દસ્તાવેજોની ચકાસણીઓ કેમ કરવી, એન્ટી સબોટેજ ચેકસ, સુરક્ષાને લગતાં સાધનોનો ઉપયોગ, ઝડપી કોમ્યુનિકેશન અને પેટ્રોલિંગ જેવી બાબતોની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ ફરજિયાત છે.
ઉપરાંત જો કોઈ પણ સિકયોરિટી ગાર્ડ કે સુપરવાઈઝર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થાય તો તે અંગે સિકયોરિટી એજન્સીઓએ કંટ્રોલિંગ ઓથોરિટીને અચૂક જાણ કરવાની રહેશે. એજન્સીઓએ દરેક ગાર્ડને યુનિફોર્મ આપવાનો રહેશે. આ ઉપરાંત એજન્સીઓએ ડોક્યુમેન્ટેશન, ડેટા શેરિંગ અને રેકોર્ડની જાળવણીની કામગીરીઓ કરવાની રહેશે. ગાર્ડ માટે જાહેર જનતા અને પોલીસ વિભાગ સાથે એજન્સીઓએ સંકલન કરવાનું રહેશે. કંટ્રોલિંગ ઓથોરિટીએ પોલીસ સત્તાવાળાઓ પાસેથી એજન્સીઓ અંગે NOC મેળવવાનું રહેશે. સુરક્ષા ગાર્ડને સ્પષ્ટ ફોટો દેખાય તે પ્રકારનું ફોટો ID કાર્ડ સુરક્ષા એજન્સીઓએ આપવાનું રહેશે. કેશવાનને પણ તાલીમબદ્ધ ગાર્ડનો નિયમ લાગુ પડશે. ગૃહવિભાગે એજન્સીઓએ લાયસન્સ મેળવવા માટે ક્યું ફોર્મ ભરવું, તે ફોર્મ પણ તૈયાર કર્યા છે.(symbolic image soure:google)