Mysamachar.in-ગાંધીનગર:
રાજ્ય સરકાર વધુ ને વધુ લોકો સ્માર્ટ વીજમીટર પ્રત્યે આકર્ષાય એ માટે પ્લાનિંગ કરી રહી છે, આ પ્રકારના ગ્રાહકોને દિવસના ચોક્કસ કલાકો માટે ‘થોડી’ સસ્તી વીજળી આપવા આયોજન થયું છે. આ લાભ નવા નાણાંકીય વર્ષથી, પહેલી એપ્રિલથી મળી શકે. રાજ્ય સરકારે ‘જર્ક’ (વીજદરોને મંજૂરીઓ આપતી ઓથોરિટી) સમક્ષ દરખાસ્ત મૂકી છે. જેમાં જણાવાયું છે કે, જે લોકો સ્માર્ટ વીજમીટર ધરાવતાં હોય તેમને બપોરે 11 થી 3 વાગ્યા સુધી આપવામાં આવતી વીજળીના દરમાં પ્રતિ યુનિટે સરકાર 45 પૈસાની રાહત આપવા ઈચ્છે છે. હાલમાં રાજયમાં 6 લાખ વીજગ્રાહકોએ સ્માર્ટ વીજમીટર અપનાવી લીધાં છે. એમને આ લાભ મળી શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં લાખો વીજગ્રાહકો એવા છે, જેઓ સ્માર્ટ વીજમીટર અંગે વિવિધ શંકાઓ વ્યક્ત કરી રહ્યા છે. જેને પરિણામે, જામનગર સહિતના સેન્ટરમાં આ નવા વીજમીટરનો વિરોધ પણ થઈ રહ્યો છે. સરકાર આ ઘર્ષણ ટાળવા ચાહે છે. તેથી સરકાર સ્માર્ટ વીજમીટરને પ્રોત્સાહન આપવા, લોકોને થોડી રાહત આપવા ઈચ્છે છે.

વીજદર વધારાની વાત હોય તો જર્ક સરકારની દરખાસ્ત પર લાંબો સમય વિચારે પણ આ તો લોકોને રાહત આપવાની વાત છે. આથી ઉર્જા વિભાગ એમ કહે છે કે, જર્ક આ દરખાસ્તને તુરંત મંજૂરી આપી દેશે. અને એથી સરકાર નવા નાણાંકીય વર્ષ એક એપ્રિલથી આ પોલિસી અમલમાં લાવવા ચાહે છે. અમલ શરૂ થશે એટલે સરકારનો નાણાંબોજ રૂ. 720 કરોડ વધી જશે. લોકોના ખિસ્સામાં એટલા રૂપિયા બચી શકશે.
રાજ્ય સરકાર સ્માર્ટ વીજમીટરના અમલ મુદ્દે મક્કમ છે. રાહત દ્વારા પ્રોત્સાહન આપી, વિરોધ ટાળવા અથવા ઠંડો પાડવા આ સ્માર્ટ ગેમ શરૂ થઈ છે, એમ પણ સૂત્ર કહે છે. રાજ્યના ઉર્જા વિભાગને બપોરના સમયે પુષ્કળ સોલાર વીજ ઉત્પાદન મળી રહ્યું છે. જેથી પડતર નીચી ગઈ છે. આથી સરકાર રહેણાંક અને ઔદ્યોગિક મળી આશરે કુલ દોઢ કરોડ જેટલાં વીજગ્રાહકોને આ રાહત આપશે. આ ઉપરાંત સ્માર્ટ વીજમીટર ધારકોને 2 ટકાની અન્ય રાહત પણ આપવામાં આવે છે.(symbolic image)
