Mysamachar.in-જામનગર:
ખેડૂતોએ પોતાનો પાક બચાવવા, પાણી મેળવવા, જાનના જોખમે વીજપોલ પર જાતે ચડી, સમારકામ કરવું પડે છે. આ સમયે વીજતંત્ર શું કરતું હોય છે ? એ મુદ્દો સપાટી પર આવ્યો છે અને આ અંગે શિસ્તભંગ થયો છે કે કેમ, તે જાણવા જામનગર કચેરી દ્વારા તપાસનો આદેશ થયો છે. આ મામલો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારોનો છે.
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજતંત્રના ધાંધિયાથી ખેડૂતો પરેશાન છે. કેશોદ, ઠાકર શેરડી અને ભીંડા ગામના ખેડૂતો વીજસમારકામ માટે જીવના જોખમે વીજથાંભલા પર ચડવા મજબૂર છે. ખેડૂતોને પાક બચાવવા પાણીની જરૂર છે, પાણી મેળવવા જાતે વીજસમારકામ કરવું પડે છે. કારણ કે, વીજતંત્ર સમારકામ મુદ્દે ધાંધિયા કરે છે.
આ ગામોના ખેડૂતો 7-8 દિવસોથી વીજધાંધિયા અને સમારકામ મામલે પીજીવીસીએલમાં રજૂઆત કરે છે પરંતુ તંત્ર તરફથી સમારકામ માટે કોઈ આવતું ન હોય, ખેડૂતોએ વીજવાયરો રીપેર કરવા જાતે થાંભલા પર ચડવું પડે છે. આ એક પ્રકારનું જીવનું જોખમ છે. ખંભાળિયા તાલુકાના કેશોદ ફીડરમાં છેલ્લા 7-7 દિવસથી વીજપૂરવઠો મળતો નથી.
હાલમાં મગફળી સહિતના પાકોમાં પિયતની ખાસ જરૂરિયાત છે, પાકો સૂકાઈ રહ્યા છે. આ સમયે વીજપૂરવઠો ન મળવાથી ખેડૂતોમાં ભારે રોષ અને નારાજગીઓ છે. આ મુદ્દે વીજતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ વારંવારની રજૂઆત છતાં ધ્યાન આપતાં નથી, એવો આક્ષેપ આ વિસ્તારના ખેડૂતોએ કર્યો છે. આ મામલો છેક જામનગર વીજતંત્રના અધિક્ષક ઈજનેર સુધી પહોંચી ગયો છે. જામનગર અને દ્વારકા જિલ્લાઓનું વીજતંત્ર આ કચેરી હસ્તક છે.
-જામનગર વીજતંત્રની મુખ્ય કચેરીના અધિક્ષક ઈજનેર એન.એન.અમીને આ બાબતે જણાવ્યું કે……..
હાલમાં વીજવપરાશ 10 ગણો વધી ગયો છે, જેને કારણે ફીડરમાં સમસ્યાઓ અને વાયરો તૂટવાના બનાવોને કારણે વીજપૂરવઠો ખોરવાઈ જવાના બનાવો બનતાં હોય છે. આવા બનાવો વધી ગયા છે. આ સ્થિતિઓ નિવારવા શહેરની ટીમો ગ્રામ્ય વિસ્તારોમાં પણ કામ કરી રહી છે. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારનો આ પ્રશ્ન રામનગર સબડિવિઝન અંતર્ગતની વડતરા વીજલાઈન ક્ષેત્રનો છે. આ અંગે સ્થાનિક અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. આ અંગેનો વાયરલ વીડિયો આજે સવારે ધ્યાન પર આવ્યો છે. ખંભાળિયા કક્ષાએ કોઈ અધિકારી કે કર્મચારી દ્વારા શિસ્તભંગ થયો છે કે કેમ, તેની તપાસ માટે આદેશ આપવામાં આવ્યો છે. તપાસ બાદ જરૂરી કાર્યવાહીઓ થશે. ઉપરાંત ખેડૂતોને પણ અપીલ છે કે, તેમણે વીજથાંભલે ન ચડવું જોઈએ. આ કૃત્ય ગેરકાનૂની છે અને તે અંગે સજા કે દંડ પણ થઈ શકે.