Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં નવા બનેલા એક ડામર રોડ વચ્ચે ઉભા દેખાતા વીજ પોલથી સોશિયલ મીડિયામાં વ્યંગ સાથે કટાક્ષ વહેતા થયા છે. ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામને સીમમાં તાજેતરમાં એક નવો ડામર રોડ બનાવવામાં આવ્યો છે. જેમાં મહત્વની બાબત તો એ છે કે આ ડામર રોડની વચ્ચોવચ એક વિજ થાંભલો વીજ વાયર સાથે ઉભો છે. ત્યારે મંજૂર થયેલા આ રોડ બનાવતા પૂર્વે તંત્ર પી.ડબલ્યુ.ડી.ના કોન્ટ્રાક્ટર દ્વારા પી.જી.વી.સી.એલ. તંત્રને સંકલનમાં રાખીને આ થાંભલો વચ્ચેથી હટાવવાના બદલે અહીં જ નવો રસ્તો બનાવી નાખ્યો..!!
રસ્તાની એક તરફ વીજપોલ હોય તે બાબત સામાન્ય છે. પરંતુ હાલ રસ્તા પર રહેલા આ વીજ થાંભલાના કારણે મોટો અકસ્માત થવાની ભીતિ સાથે વીજ વાયરો તૂટે તો જાનહાની પણ થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સરકારના જ બે વિભાગો વચ્ચે સંકલનના અભાવનો તાદશ્ય નમૂનો હાલ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાસ્પદ બની ગયો છે.