Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં 2 યુવાનોના મોત વીજઆંચકાને કારણે થયા હોવાનું પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે. એક બનાવ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને અન્ય એક બનાવ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. બંને મૃતક અન્ય રાજ્યના છે અને અહીં શ્રમિક તરીકે કામ કરતાં હતાં.
જામનગર નજીકના અલિયાબાડાના પાટીયા નજીક રહેતો રાજસ્થાનનો વતની યુવાન લાલચંદ રાધેશ્યામ ભીલ ગઈકાલે શુક્રવારે બપોરે ચારેક વાગ્યે જાંબુડા પાટીયા નજીક વીજઆંચકાથી મૃત્યુ પામ્યો છે તેમ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર થયું છે. પોલીસમાં મૃતકના ભાઈ હેમરાજે એમ જાહેર કર્યું છે કે, તેનો ભાઈ લાલચંદ અને અન્ય શ્રમિકો વીજતાર બદલવાની કામગીરીઓ કરી રહ્યા હતાં. કામ પૂર્ણ થયા બાદ વીજલાઈન ચાલુ કરતી વખતે આ યુવાન ચાલુ વીજપ્રવાહવાળી લાઈનમાં ભૂલથી ચડી ગયો અને તેનો ભોગ લેવાઈ ગયો. તેને જાંબુડા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવેલો પણ તબીબે તેને મૃત જાહેર કર્યો.
આવો અન્ય એક બનાવ શેઠવડાળા પોલીસ સ્ટેશન હેઠળના ધ્રાફા ગામની એક વાડીમાં બન્યો છે. જીતેન્દ્ર મેડા નામનો એક યુવાન ધ્રાફાના જયરાજસિંહ ચંદ્રસિંહ જાડેજાની વાડીમાં રહેતો હતો અને ખેતમજૂરી કરતો હતો. આ યુવાન અંગે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્ની બિંદુબેને ગઈકાલે શુક્રવારે સાંજે એમ જાહેર કર્યું કે, ગુરૂવારે રાત્રે 08-30 વાગ્યાથી શુક્રવારની સવારના 07-00 વાગ્યા દરમ્યાન કોઈ પણ સમયે તેણીના પતિ જીતેન્દ્રનું વાડીમાં મોત થયું છે. ગુરૂવારે રાત્રે સાડા આઠેક વાગ્યે જીતેન્દ્ર નામનો આ ભીલ યુવાન પોતાની પત્ની બિંદુબેનને ઘરેથી એમ કહીને બહાર ગયો કે, ચાખાંડ લેવા જાઉં છું. બાદમાં બિંદુબેનને જાણ થઈ કે, તેનો પતિ જીતેન્દ્ર રાજવડ ગામની સીમમાં જયરાજસિંહની વાડીના શેઢે પાણી નિકાલની જગ્યામાં મૃત હાલતમાં છે. પોલીસમાં બિંદુબેને જાહેર કર્યું છે કે, આ બનાવના સ્થળે વાયર ફેન્સિંગ છે, જેમાંથી મારાં પતિને વીજશોક લાગ્યો છે, જેને કારણે તેનું મોત થયું છે.