Mysamachar.in-ગુજરાત:
ઈલેકટોરલ બોન્ડ દેશમાં ચર્ચાઓનો મોટો મુદ્દો બની ગયો છે, કેમ કે આ મામલાની સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ બોન્ડ એવી વસ્તુ છે જેનો ઉપયોગ કરીને દાતાઓ રાજકીય પક્ષોને દાન આપી રહ્યા છે અને સરકાર સુપ્રિમ કોર્ટમાં એમ કહી રહી છે કે, આ દાનની વિગતો જાણવાનો નાગરિકોને અધિકાર નથી. જો કે સુનાવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટે ચૂંટણીપંચને આ તમામ વિગતો તૈયાર કરી, હાથ પર રાખવા સૂચના આપી હોય મામલો હવે ગરમ બની ચૂક્યો છે.
વિવિધ રાજકીય પક્ષોને ઈલેકટોરલ બોન્ડ મારફતે ચિક્કાર નાણું દાન સ્વરુપે પ્રાપ્ત થઈ રહ્યું છે. અરજદારો આ દાનની સંપૂર્ણ વિગતો જાણવા ઈચ્છે છે. આ માટે સુપ્રિમ કોર્ટમાં ઘણી પિટિશન ફાઇલ થઈ છે. જેની સુનાવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટે કહ્યું: 2019ની 12મી એપ્રિલે સુપ્રિમ કોર્ટ દ્વારા ચૂંટણીપંચને વચગાળાનો એક આદેશ આપવામાં આવેલો, તેને ધ્યાન પર લઈ ચૂંટણીપંચે બોન્ડ મારફતે રાજકીય પક્ષોને મળેલાં દાનની વિગતો તૈયાર રાખવી જોઈએ.
અત્રે ઉલ્લેખનિય છે કે, 2019ના સુપ્રિમ કોર્ટના આ આદેશમાં જ અદાલતે બોન્ડ સંબંધિત ઝીણામાં ઝીણી વિગતો તૈયાર કરવા પંચને જણાવી દીધું હતું. જેના જવાબમાં પંચે સુપ્રિમ કોર્ટને એમ કહ્યું કે, રાજકીય પક્ષોએ માત્ર 2019ની જ બોન્ડ સંબંધિત વિગતો આપી છે. પંચના જવાબ સાથે સુપ્રિમ કોર્ટ સંમત ન થઈ, કોર્ટે પંચને કહ્યું- જે તે સમયનો આદેશ હાલ પણ લાગુ જ છે, વિગતો તૈયાર રાખવાની રહેશે.
અરજદારોએ પિટિશનમાં એવો દાવો કર્યો છે કે, આ ઈલેકટોરલ બોન્ડ સ્કીમમાં ભ્રષ્ટાચાર શક્ય છે. કોર્પોરેટ ક્ષેત્ર તરફથી કાળું ધન રાજકીય પક્ષો સુધી પહોંચી શકે છે. તેથી બોન્ડની તમામ વિગતો જાહેર થવી જરૂરી છે. સુપ્રિમ કોર્ટ દ્વારા પંચને કહેવાયું છે, પંચે આ તમામ વિગતો કોર્ટમાં રજૂ કરવા તૈયાર કરવી જોઈશે. કેમ કે, અદાલત યોગ્ય સમયે આ વિગતો અદાલતમાં પેશ કરવા પંચને સૂચનાઓ આપશે. અરજદારો વતી વકીલ પ્રશાંત ભૂષણે એવી દલીલ કરી હતી કે, જેતે સમયે ચૂંટણીપંચે તથા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારને બોન્ડની પારદર્શિતા મુદ્દે ચેતવણી પણ આપી હતી. ચેતવણીમાં એમ પણ કહેવાયું હતું કે, આ સિસ્ટમ લોકશાહી અને અર્થતંત્ર પર અસર ન કરે તે સરકારે જોવું પડશે.
આ ઉપરાંત ભૂષણે દલીલોમાં એમ પણ કહ્યું: વિદેશી સંસ્થાઓ, બેનામી કંપનીઓ અને ગુપ્ત નાણાં સ્ત્રોત શેલ કંપનીઓ મારફતે બ્લેક મની ઈલેકટોરલ બોન્ડ મારફતે રાજકીય પક્ષો સુધી પહોંચાડી શકે છે. આ કાળાં ધનનો ઉપયોગ ચૂંટણી પ્રક્રિયામાં થઈ શકે છે. કોર્પોરેટ ક્ષેત્ર અને સતા વચ્ચેના સંબંધોને કારણે આ બોન્ડનો ઉપયોગ મોટાં કદના ભ્રષ્ટાચારને જ્ન્મ આપી શકે છે. ભૂષણે દલીલોમાં વિગતો રજૂ કરતાં કહ્યું: છ વર્ષ દરમિયાન 31 રાજકીય પક્ષોએ રૂપિયા 16,438 કરોડનું ફંડ દાતાઓ પાસેથી પ્રાપ્ત કર્યું. જે પૈકી 55.9 ટકા ફંડ એટલે કે રૂપિયા 9,188 કરોડ પક્ષોએ ઈલેકટોરલ બોન્ડ મારફતે પ્રાપ્ત કર્યા. તે પૈકી રૂપિયા 4,615 કરોડ કોર્પોરેટ ક્ષેત્રમાંથી આવ્યા.



