Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ઘણી બધી સંસ્થાઓમાં ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે અને આચારસંહિતા અમલી બની ગઈ છે. જેમાં હાલારના 2 જિલ્લાની કુલ 6 પાલિકાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જામનગર જિલ્લાની 2 તાલુકા પંચાયતોમાં કુલ 2 બેઠકો પર પણ પેટાચૂંટણી થશે.
રાજ્ય ચૂંટણીપંચની જાહેરાત અનુસાર, આગામી 16 ફેબ્રુઆરીએ આ સંસ્થાઓમાં મતદાન થશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. 1 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્રો દાખલ થઈ જશે. જામનગર જિલ્લાની 3 પાલિકાઓ ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની 3 પાલિકાઓ સલાયા, ભાણવડ અને દ્વારકા પાલિકાઓમાં ચૂંટણીઓ યોજાશે.
આ સાથે જ જામનગર જિલ્લાની 2 તાલુકા પંચાયતો જામનગર અને જોડિયામાં કુલ 2 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. જેમાં 14-જામવણથલી અને 3-જોડિયાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લાની ત્રણેય પાલિકાઓમાં 7-7 વોર્ડ છે, અને દરેક વોર્ડમાં 4-4 બેઠકો હોય છે.
ધ્રોલ પાલિકાના 7 વોર્ડની ચૂંટણીઓ માટે 21 મતદાન મથક છે અને મતદારોની સંખ્યા 22,241 છે. કાલાવડ પાલિકાના 7 વોર્ડ માટે મતદાન મથકની સંખ્યા 25 છે અને મતદારોની કુલ સંખ્યા 23,397 છે જ્યારે જામજોધપુર પાલિકાના 7 વોર્ડના કુલ 20,999 મતદારો માટે 26 મતદાન મથક બનાવવામાં આવશે. આ સાથે જ જોડિયા તાલુકા પંચાયતની એક બેઠક માટે 4 મતદાન મથક બનાવવામાં આવશે જ્યાં કુલ મતદાર 4,046 છે અને જામનગર તાલુકાની જામવણથલી તાલુકા પંચાયત બેઠકના કુલ 6,895 મતદાર માટે 9 મતદાન મથક બનાવવામાં આવશે.(file image source:google)