Mysamachar.in-ગુજરાત:
દારૂબંધીવાળા રાજ્યને અંગ્રેજીમાં ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. ગુજરાતીઓનો તથા ગુજરાતમાં રહેતાં અને આવતાં જતાં રહેતાં પરપ્રાંતિયો અને વિદેશીઓનો અનુભવ એવો છે કે, ગુજરાત ડ્રાય સ્ટેટ માત્ર કાગળ પર છે ! અહીં વેટ-69થી માંડીને સેંકડો પ્રકારના પીણાં ઈઝીલી અવેઈલેબલ છે ગળું ‘વેટ’ કરવા ! ગળું ભીનું કરવાની આદત ગુજરાતની પ્રાચીન આદત છે ! પેટ ભરેલું રાખવું એ બીજી વિશેષતા ! ગુજરાતીઓ બેઝિકલી સક્ષમ અને શોખીન પ્રજા છે. વળી લાંબો દરિયાકિનારો હોય, મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ભેજવાળું રહેતું હોય, “કીક” ફેવરીટ ચીજ છે ! કેટલાંક શુષ્ક લોકો ચ્હા પીને ગળું ભીનું રાખતાં હોય છે, જે પૈકી ઘણાં ડરપોક હોય છે અથવા ગળું ભીનું કરવાની આખી વ્યવસ્થાથી અપરિચિત હોય છે !
પરંતુ મુદ્દાની વાત તો એ છે કે – ચૂંટણીઓ ઘણાં બધાં પ્યાસીઓ માટે આફત પૂરવાર થાય છે – ડ્રાય સ્ટેટમાં પણ ! માલના ભાવો આસમાને જતાં રહે છે. માલખેંચ પણ બહુ તડપાવે. વળી કાર્યકરોને સાચવવામાં પણ અનેક મુશ્કેલીઓ ! અને, પોલીસની ચૂંટણીલક્ષી ધોંસ. જો કે સપ્લાયરો સૌ પોતાનો ધંધો કોઈ પણ પરિસ્થિતિમાં સેટ કરી જ શકે છે ! શોર્ટ સપ્લાયની સ્થિતિ ઉભી કરી, તેઓ ઉલટા વધુ કમાય છે ! કારણ કે, ચૂંટણીનો પ્રસંગ ગુજરાતમાં કાયમ ભીનો ભીનો જ રહે છે ! પૈસા ફેંકો, તમાશા દેખો !
બીજી બાજુ, ચૂંટણીઓનાં દિવસોમાં મોટાભાગના પોલીસકર્મીઓ ખાસ ફરજોમાં રોકાયેલા હોય છે. ઘણાનાં સરનામાં પણ બદલી જતાં હોય છે. ઉપરાંત ચૂંટણી સમયે તેઓએ પોતાના તંત્રનાં દાબ ઉપરાંત વહીવટીતંત્રનો દાબ પણ સહન કરવો પડતો હોય છે ! અને, ફલાઈંગ સ્ક્વોડની લટકતી તલવાર અલગ ! વળી, આ વિશેષ દિવસોમાં ‘ માલપકડ’ આંકડાઓ સેટ કરવાનું ટેન્શન, વગેરે વિવિધ કારણોસર આ દિવસોમાં પ્યાસીઓની જેમ જ પોલીસ માટે પણ અકળાવનારી સ્થિતિઓ ઘણી બધી હોય છે, આડાં દિવસોની ‘મોજ’ની સરખામણીએ !
આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં શ્રાવણી જૂગાર, થર્ટી ફર્સ્ટ પાર્ટી માટેનો શરાબ અને ચૂંટણી દરમિયાન કાર્યકરોને માટે લાવવામાં આવતો શરાબ જેવાં શબ્દ પ્રયોગો પણ પ્રચલિત છે ! જાણે કે, વર્ષનાં અન્ય દિવસોમાં આપણે ડાહ્યાડમરા ! દરેક ચૂંટણી માફક આ વખતે પણ ચૂંટણી સંબંધી શરાબ પકડાયાના કિસ્સાઓ બસ શરૂ થવામાં જ છે ! જો કે, આ બધી બબાલો વચ્ચે પણ ગોઠવણીમાં માહેર લોકો તો ચૂંટણી સિવાયનાં દિવસોની માફક પોતાની મોજ બરકરાર રાખી જ શકતાં હોય છે ! રાજ્ય બહારથી રાજ્યનાં છેક આંતરિયાળ વિસ્તારો સુધી ‘માલ’ પહોંચાડવા માટેની લોજિસ્ટીક સહિતની વ્યવસ્થાઓ ગોઠવવાનો આ વ્યવસાય સાથે સંકળાયેલા ગુજરાતીઓનો અનુભવ લાંબો છે, કાયદાનાં લાંબા હાથ કરતાં પણ !






