Mysamachar.in-જામનગર:
જે માણસનો જિવ ‘રાજકીય’ હોય છે તેની નજર સતત પાંચ વર્ષ સુધી ચૂંટણીઓ પર હોય છે અને જેમજેમ ચૂંટણીઓ નજીક આવે એમએમ આવા જિવલાંઓના ઉધામા વધવા માંડતા હોય છે. નેતા બનવાના સપના ઘણાંને રોજ આવતાં હોય છે, ધોળે દિવસે પણ !
રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ સાથે જામનગર કોર્પોરેશનની ચૂંટણીઓ પણ 2026ના પ્રારંભમાં જ યોજાઈ જશે. અને, હાલમાં 2025નો પાછલો તબક્કો શરૂ થઈ ગયો હોય, ચોમાસાના દેડકાંઓના ડ્રાઉં ડ્રાઉં જેવા અવાજો શહેરના રાજકીય જગતમાં સંભળાવા શરૂ થઈ ગયા છે. એ જ રીતે, જિલ્લામાં ગ્રામ્ય સ્તરે પણ સળવળાટ શરૂ થઈ ગયો છે કારણ કે, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ પણ કોર્પોરેશન ચૂંટણીઓ આસપાસ યોજાવાની શકયતાઓ છે.
જે લોકો વીતેલા પાંચ વર્ષ દરમ્યાન કયાંય દેખાયા ન હોય, લોકોના કામો કરવા કે કરાવવાનો કોઈ અનુભવ ન હોય, કોઈ રાજકીય પક્ષમાં જેનો કોઈ ભાવ ન પૂછાતો હોય, શહેર અને જિલ્લાના પ્રશ્નો અંગે જેની પાસે કોઈ માહિતીઓ કે વિગતો ન હોય અને જેઓ સમર્થકો કે ટેકેદારો ધરાવતા ન હોય એવા લોકોએ પણ ગાજરની પિપૂડી વગાડવાનું શરૂ કરી દીધું છે.
કેટલાંક આવા ‘જિવલા’ રાજકીય પક્ષો અને આગેવાનોનો છાંયડો શોધી રહ્યા છે, કેટલાંક લોકો ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ, ક્લબો કે જે સમાજમાં વર્ચસ્વ ધરાવતી હોય તેને વેલ માફક વીંટળાઈ રાજકારણમાં ઘટાદાર વૃક્ષ બનવાના હસીન સપને નિહાળી રહ્યા છે, જો કે મતદારો તો બધાં જ મુંગેરીલાલોને નજીકથી ઓળખતા હોય છે. હવેના સમયનો મતદાર ગાડરિયો રહ્યો નથી. હવે મતદારોએ માપતોલની કળા પિછાણી લીધી છે.
જામનગર શહેર અને જિલ્લામાં કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણીઓ માટે, ઘણાં લોકો પ્રચાર સહિતના ‘હથિયાર’ સજાવી રહ્યા છે પણ ખરેખરા મેદાનમાં કોની ‘તલવાર’ ચમકશે અને કોને આંજી શકશે- એ તો રાજકીય સમરાંગણમાં જ, મતદારોના મતોથી નક્કી થશે. આ વખતે ચૂંટણીઓ વધુ રસપ્રદ બનશે એ નક્કી, કેમ કે અત્યાર સુધી ચૂંટણીઓ માત્ર બે પક્ષો વચ્ચે જ લડાતી, આ વખતે ત્રિપાંખિયો જંગ નક્કી છે અને ‘નડતર’ પ્રકારના અપક્ષો અલગ. આ પ્રકારના વાતાવરણને કારણે આગામી મહિનાઓ જામનગર સહિત સમગ્ર હાલારમાં રાજકીય દ્રષ્ટિએ ઉતેજનાપૂર્ણ રહેશે- એટલું હાલ નક્કી. સાથેસાથે સૌએ એ પણ યાદ રાખવું જોઈએ કે, ચોમાસાના પ્રત્યેક દેડકાંને મતદારો નજીકથી ઓળખતા હોય જ છે, એટલે જેમના ભાથામાં લોકોના કામો કર્યાની મૂડી જમા છે તેઓ અને જે લોકો કામો કરાવી શકવાની ત્રેવડ ધરાવતા હશે, એ લોકો જ ચૂંટણીઓ જિતી શકશે, બાકીનું ડ્રાઉં ડ્રાઉં ‘હંગામી’ સાબિત થઈ જશે. જનતા જનાર્દન હવે ચબરાક થઈ ગઈ છે.