Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ઘણાં લાંબા સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ટાળવામાં આવી રહી છે, વિલંબ કરવામાં આવી રહ્યો છે. અધિકારીરાજ ચાલી રહ્યું છે. આખરે હવે ચૂંટણીઓ માટેની વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ ગાંધીનગરથી તમામ જિલ્લામથકોએ પહોંચી. હવે સ્થાનિક તંત્ર આ ચૂંટણીઓ માટે તૈયારીઓમાં જોડાઈ જશે. જામનગર જિલ્લાના 265 ગામડાંઓમાં ચૂંટણીઓ યોજવાની થાય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓમાં 27 ટકા OBC અનામતનો આદેશ થયેલો. ત્યારબાદ ગુજરાત સરકારે આ માટે આયોગ બનાવેલું. આયોગે પોતાનો રિપોર્ટ ભલામણના રૂપમાં આપી દીધાં પછી, મહિનાઓ સુધી સરકારે આ રિપોર્ટ જાહેર ન કર્યો. પછી રિપોર્ટ જાહેર કર્યો, ભલામણ સ્વીકારી. પછી પણ મહિનાઓ સુધી, હજુ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ જાહેર તો કરવામાં આવી જ નથી. પરંતુ હવે યોગ્ય પ્રક્રિયાઓ પૂર્ણ થઈ હોય, રાજ્યના ચૂંટણી પંચે આ ચૂંટણીઓ માટે વહીવટી પ્રક્રિયાઓ શરૂ કરી છે.
રાજ્યના ચૂંટણીપંચે તા.29-11-2024ના પરિપત્રથી મુદ્દત પૂર્ણ થયેલી ગ્રામ પંચાયતો, નવી બનેલી પંચાયતો અને મુદ્દત પહેલાં વિસર્જિત કરવામાં આવેલી એમ ત્રણ પ્રકારની ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજવા પૂર્વે જેતે ગામોના સરપંચપદ માટેના અનામત રોટેશન નક્કી કરવા, અલોપ્ય શાહી ખરીદવા, મતદાર યાદી પ્રસિધ્ધ કરવા, મતદાન મથકો મંજૂર કરવા, ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિયુક્ત કરવા, મતપત્રકો સહિતની સ્ટેશનરીઓ છપાવવા અને બેલેટ વોટીંગની મતપેટીઓ તૈયાર કરવા સહિતની સૂચનાઓ તમામ કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને આપી દીધી છે.
જામનગર જિલ્લામાં કુલ 421 ગ્રામ પંચાયત છે, જે પૈકી 256 પંચાયતની મુદ્દત પૂર્ણ થઈ છે, 5 ગ્રામ પંચાયત નવી બની છે અને 4 પંચાયતને સમય પહેલાં વિસર્જિત કરી નાંખવામાં આવી હતી. આથી હાલની વ્યવસ્થાઓ મુજબ આ 265 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજવાની થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર તાલુકાના વીરપરમાંથી વિજયપુર, નાની માટલીમાંથી શંભુનગર, કાલાવડ તાલુકાના દૂધાળામાંથી લક્ષ્મીપુર, મોટી નાગાજરમાંથી કૃષ્ણપુર અને જોડિયામાંથી લક્ષ્મીપરા- એમ પાંચ પંચાયત નવી બની છે.
જામનગર તાલુકાની 102 પૈકી 62 ,ધ્રોલ તાલુકાની 40 પૈકી 24, જોડીયા તાલુકાની 38 પૈકી 21, કાલાવડની 98 પૈકી 68, લાલપુરની 77 પૈકી 47 અને જામજોધપુરની 66 પૈકી 34 ગ્રામ પંચાયતોની, એમ કુલ 256 ગ્રામ પંચાયતોની મુદ્દત ઘણાં સમય અગાઉ પૂર્ણ થયેલી છે.