Mysamachar.in-જામનગર:
દેશભરમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને પાછળ છોડીને, લોકો સુધી ઝડપથી અને અસરકારક રીતે પહોંચવામાં સોશિયલ મીડિયા બાજી મારી ગયું છે. દેશની વસતિના 90 કરોડ લોકો સુધી આ માધ્યમની પહોંચ છે. અને એથી જ રાજકીય પક્ષો સોશિયલ મીડિયા પર પ્રચાર કરવા પાછળ કરોડો રૂપિયા પાણીની માફક વહાવી રહ્યા છે.
હાલમાં લોકસભા ચૂંટણીઓ ચાલી રહી છે. ઉમેદવારો તથા પક્ષો લાખો કરોડો મતદાતાઓ સુધી રૂબરૂ પહોંચી શકતા નથી. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાની કેટલીક મર્યાદાઓ છે. લોકોને ટીવી સામે બેસવાને બદલે હાથમાં રહેલાં મોબાઇલ મારફતે છેલ્લામાં છેલ્લી ખબરો અને અપડેટ્સ મેળવવા વધુ અનુકૂળ રહે છે.
2019ની લોકસભા ચૂંટણીઓમાં BJP એ સોશિયલ મીડિયા મારફતે લોકો સુધી પહોંચવા રૂ. 325 કરોડનો ખર્ચ કર્યો હતો. કોંગ્રેસે આ કામ માટે રૂ. 356 કરોડનો ખર્ચ કર્યો હતો. રાજકીય પક્ષો પાસે સોશિયલ મીડિયા પ્રચાર માટે વોરરૂમ પણ હોય છે. અને પક્ષો તથા ઉમેદવારોએ સોશિયલ મીડિયા પર પ્રચાર માટે જે ખર્ચ કર્યો હોય છે તે બધાં જ ખર્ચના હિસાબો પણ હોતાં નથી. ચૂંટણીપંચની પણ મર્યાદાઓ હોય છે. તે બધાં જ ચૂંટણી ખર્ચ ચકાસતું પણ ન હોય અને ચકાસી શકે પણ નહીં.
રાજકીય પક્ષો અને નેતાઓ જુદીજુદી પદ્ધતિઓ દ્વારા વધુને વધુ પ્રચાર માટે સોશિયલ મીડિયા પર ઘણાં પ્રકારના રસ્તાઓ અપનાવતાં હોય છે, જે બધાં જ ઉપાયોની ચકાસણીઓ પણ શક્ય નથી હોતી. મુખ્ય મુદ્દો એ છે કે, પ્રચાર માટે આજે સોશિયલ મીડિયા હોટ ફેવરિટ માધ્યમ છે. કેમ કે તેની પહોંચ કરોડો યૂઝર સુધી હોવાથી, આ માધ્યમ શક્તિશાળી સાબિત થયું છે.
સોશિયલ મીડિયા મારફતે ટાર્ગેટ દર્શકો અને વાચકો સુધી પહોંચી શકાય છે. ચૂંટણીઓમાં ઓછાં મતોની હારજિતવાળા વિસ્તારોમાં સોશિયલ મીડિયા પોતાની પહોંચને કારણે વાતાવરણ પલટાવી શકે છે. અને, વધુ લીડવાળી ચૂંટણી બેઠકો પર પણ સોશિયલ મીડિયાની અસરો બધાં જ પક્ષે જોરદાર હોય છે. વોટસએપ અને ફેસબુક સહિતની તમામ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ આજે એક એક માણસની જિંદગીનો રોજિંદો ભાગ બની ગયા છે.
સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર વોટ કેચર લોકોની પણ કોઈ કમી નથી. અને આવા નિષ્ણાંત લોકો ચૂંટણીઓમાં ચિક્કાર કમાણી પણ કરે છે. ઘણાં લોકો છૂપા રૂસતમ પણ હોય છે, તેઓનું સોશિયલ નેટવર્કિંગ ઘણાં લોકોને મોટી ફેવર અપાવી શકે છે અને ઘણાંની ઉંઘ પણ હરામ કરી દેતું હોય છે. ખુદ વડાપ્રધાન અને રાહુલ ગાંધી સહિતના લગભગ તમામ નેતાઓ અને રાજકીય પક્ષો સોશિયલ મીડિયાની અમાપ તાકાતને પિછાણે છે, તેનો હથિયાર તરીકે ઉપયોગ પણ કરે છે.
એમાંય ચૂંટણીઓ જ્યારે રસાકસીભરી હોય અથવા કોઈ વિવાદ ચગી ગયો હોય ત્યારે તો સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર પોસ્ટ અને વીડિયોઝનો મહાસાગર ઘૂઘવતો હોય છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર રીલ્સનો દરિયો પણ સતત ઉછાળા મારતો હોય છે, અહીં ઉમેદવારો ખર્ચના હિસાબોમાંથી બચવાના રસ્તાઓ પણ શોધી લેતાં હોય છે. વર્ચ્યુઅલ પ્રચાર આજના સોશિયલ મીડિયાના યુગમાં બહુ મોટું અને હરીફને ચિત કરી દેવાનું સૌથી લોકપ્રિય અને સૌથી કાતિલ સાધન બની ગયું છે.