Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા શહેર નજીકના શહેરમાં આવેલા એક કારખાનામાં થોડા સમય પૂર્વે પેટકોકના જથ્થાની શંકાસ્પદ રીતે હેરાફેરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણને અનુલક્ષીને પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની કાર્યવાહી તેમજ ખાનગી કંપનીમાં તપાસ બાદ કોન્ટ્રાક્ટર ઉપરાંત અહીંની સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝના શખ્સો, વાહન ચાલક વિગેરે કુલ 8 આસામીઓએ મીલીભગત આચરીને રૂપિયા 8.60 લાખના પેટકોકના જથ્થામાં ભેળસેળ કરી, વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યનું જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોરબંદર તાલુકાના રાણાવાવ ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા સમીરભાઈ સામતભાઈ બાપોદરા દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ગત તારીખ 19 સપ્ટેમ્બર આસપાસના સમયગાળા દરમિયાન ખંભાળિયાના ધરમપુર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝમાં કેટલોક પેટકોકનો જથ્થો વહન થતો તેમજ મીલાવટ થતો હોવાનું ખુલવા પામ્યું હતું. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ (જી.એચ.સી.એલ.) કંપનીમાં ચાલી રહેલા તેમના પરિવહન કોન્ટ્રાક્ટમાં જામનગરની ખોડીયાર કોલોનીમાં રહેતા અને મૂળ પોરબંદર તાલુકાના કિંદરખેડા ગામના દિલીપ લખમણભાઈ ઓડેદરા નામના શખ્સએ ફરિયાદી કોન્ટ્રાક્ટર સમીરભાઈ મેરનો વિશ્વાસ જીતીને તેમના જી.એચ.સી.એલ. કંપનીના કોન્ટ્રાક્ટ મુજબના પરિવહનમાં ટ્રકો ચલાવતા તેમની પેઢી સમીર ટ્રાન્સપોર્ટ સાથે લેખિત કરાર કરવામાં આવ્યો હતો.
જેમાં પેટા કોન્ટ્રાક્ટર તરીકે આરોપી દિલીપ ઓડેદરાએ પોતાનો બદઇરાદો પાર પાડવાના હેતુથી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય મેળવીને તેમના ચાર ટ્રક ડ્રાઇવરો મુન્ના કનસિંહ ભૂરીયા, નરશી પુના વાઘેલા, હનીફ આદમ લોરૂ અને શેતુલ જાદવભાઈ ખરા નામના ચાર શખ્સો ઉપરાંત ખંભાળિયાના ધરમપુર જીઆઈડીસી વિસ્તારની સિધ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝના લોડરના ડ્રાઈવર એવા મનોજ સવજીભાઈ કણજારીયા અને આ જ સ્થળ વે-બ્રિજ ચલાવતા અન્ય બે શખ્સો નિતેશ પ્રેમજીભાઈ નકુમ અને ભાવિક વિનોદભાઈ કણજારીયા મળી આ તમામ આઠ શખ્સોએ કાવતરું રચ્યું હતું. આરોપીઓએ ખંભાળિયા નજીક આવેલી નયારા કંપનીના પેટકોકના જથ્થાને જીએચસીએલ કંપનીમાં મોકલવા પૂર્વે રસ્તામાં આવતી ખંભાળિયાની સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝમાં ભેળસેળ કરવામાં આવતી હતી.
નયારા કંપનીમાંથી રવાના કરવામાં આવેલા રૂ. 45 લાખ 14 હજાર 516 ની કિંમતના 267.73 ટન પેટકોકના જથ્થામાં પરિવહન દરમિયાન ગેરકાયદેસર રીતે આધિપત્ય જમાવીને હલકી ગુણવત્તાનો માલ ભેળસેળ કરી, ગોબાચારી આચરવામાં આવી હતી. આ રીતે અગાઉથી જ આયોજન બદ્ધ રીતે પેટા કોન્ટ્રાક્ટર, ડ્રાઇવર, કર્મચારીઓ વિગેરેએ એકબીજાને કાયદેસરના ધંધાના મળતા લાભ ઉપરાંતની અલગ અલગ રીતે મળી કુલ રૂપિયા 8,59,970 થી વધુનો વધારાનો લાભ લઇ, આ રીતે ભેળસેળ કરવામાં આવી હોવાનું જાહેર થયું છે.
આમ, આરોપીઓ દ્વારા ફરિયાદી એવા ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરની પેઢી તેમજ જીએચસીએલ કંપની સાથે ગુનાહિત રીતે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી, લાખો રૂપિયાનું ષડયંત્ર કરવા સબબ ખંભાળિયા પોલીસે તમામ આઠ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાને જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એલ.સી.બી.ના પી.એસ.આઈ. વી.એન. સીંગરખીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. ફોટો:- કુંજન રાડિયા


