Mysamachar.in-અમદાવાદ:
ગુના સમાજમાં અને અંધારામાં અથવા સંતાડીને જ થતાં હોય એવું નથી, ગુનાઓ પોલીસ મથકમાં પણ થાય, પોલીસ હેડ કવાર્ટરમાં પણ થાય, ધોળે દિવસે પણ થાય અને ઉપરી પોલીસ અધિકારીઓની પીઠ પાછળ અથવા ‘રહેમ’થી પણ થઈ શકે- આ પ્રકારના દાખલા ખુદ પોલીસના રેકર્ડ પર નોંધાતા રહેતાં હોય છે. આવો વધુ એક મામલો બહાર આવ્યો.
અમદાવાદમાં સાબરમતી નામનું પોલીસ મથક છે. જેમાં 2016ની સાલથી ઉચાપત થતી હતી, પોલીસ મથકમાં નોંધાયેલા 400થી વધુ ગુનાઓમાં જે રોકડ રકમ પોલીસે કબજે લીધેલી તે રકમ પૈકી 54 લાખ રૂપિયા ખુદ ASI સેરવી ગયો. પોલીસના કબજામાંથી પોલીસે નાણાં સેરવી લીધાં. આમ છતાં આ પોલીસ સ્ટેશનમાં ન કોઈ કર્મચારીઓને ખબર પડી, ન પોલીસ અધિકારીઓને ખબર પડી.
આરોપી ASIનું નામ જયેન્દ્રસિંહ બાપાલાલ પરમાર છે. આ ઉચાપત મામલે તેના વિરુદ્ધ ગુનો દાખલ થયા બાદ હાલ તે પાંચ દિવસના પોલીસ રિમાન્ડમાં છે. આ 54 લાખ રૂપિયામાંથી તેણે કેન્સરની સારવાર કરાવી, મકાન લીધું અને અમુક રકમ સગાસંબંધીઓને આપી દીધી. પોલીસ તપાસમાં તેણે આ કબૂલાત આપી. ભૂતકાળમાં આ આરોપી પોલીસ મેડિકલ લીવ પર પણ હતો. પરંતુ આટલી મોટી રકમ સારવારમાં ખર્ચ થઈ જાય એવો ખુલાસો પોલીસને મગજમાં બેસતો નથી.
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે તમામ પોલીસ સ્ટેશન અધિકારીઓને આદેશ આપ્યો છે કે, ગુનાઓમાં જે રોકડ પોલીસે કબજે લીધી હોય તે રકમો પોલીસ સ્ટેશનના લોકરમાં ન રાખવી, પોલીસવિભાગના બેંક એકાઉન્ટમાં જમા કરાવવી. ફરિયાદ મુજબ, જયેન્દ્ર પરમાર આવી રકમો પૈકી રૂ. 54 લાખ ચાઉં કરી ગયો છે.
ગત્ નવેમ્બરમાં તેની બદલી પોલીસ કમિશનર કચેરીની વિશેષ શાખામાં થઈ ત્યારે તે મેડિકલ લીવ પર જતો રહ્યો. બીજી તરફ આ કેસના ફરિયાદીએ ક્રાઈમ રાઈટર હેડ તરીકે ચાર્જ લેતાં તેના ધ્યાન પર આવ્યું કે, જયેન્દ્ર પરમાર પોલીસ લોકરની ચાવી પોતાની પાસે રાખતો અને લોકરમાં રાખેલી રકમોમાંથી અમુક રકમો ઘરે લઈ જતો. આ બાબતે જેતે સમયે જયેન્દ્ર પરમારની પૂછપરછ પણ થયેલી. તેણે કહેલું કે ઘટતી રકમ તે જમા કરાવી દેશે. હિસાબ આપશે એમ પણ કહેલું. પણ પછી તેણે પોલીસ વિભાગને કોઈ જ જવાબ આપ્યો નહીં.
આ રીતે તેણે અવારનવાર આ બાબતે વાયદાઓ કર્યા પણ, ઘટતી રકમ જમા કરાવી નહીં, હિસાબ આપ્યો નહીં, આથી પોલીસને શંકાઓ થઈ. આખરે પોલીસે પોતાના જ અગાઉના ક્રાઈમ રાઈટર હેડ જયેન્દ્રસિંહ બાપાલાલ પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. આ ફરિયાદ બાદ અમદાવાદ પોલીસ વિભાગમાં જાતજાતની ચર્ચાઓ શરૂ થઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસના કબજામાં મુદ્દામાલ તરીકે શરાબ અને ગાંજા જેવી ચીજો હોય છે, તે ચીજો પૈકી અમુક ચીજોની ‘ચોરી’ થતી હોય છે, અમુક માલ ‘સગેવગે’ થતો હોય છે, અમુક માલ ‘ગૂમ’ થતો હોય છે અને અમુક માલનો ઉંદરોને કારણે નાશ પણ થતો હોય છે, આ પ્રકારના સમાચાર ઘણી વખત ચમકતા હોય છે !!