Mysamachar.in:ગાંધીનગર
ગુજરાતમાં એક નોંધપાત્ર ઘટનાક્રમ બન્યો. લાંબા સમય બાદ, મુખ્ય વિપક્ષ કોંગ્રેસે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં દર્શાવવામાં આવેલી વિગતો – ખૂબ જ સંવેદનશીલ છે. જામનગર સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીઓ પેન્ડિગ છે. ચૂંટણી સાથે OBC મુદ્દો સંકળાયેલો છે. અને, સરકાર દ્વારા OBC સંબંધિત રિપોર્ટ જાહેર થવા પામ્યો નથી. આ તમામ મુદ્દાઓનો સમાવેશ આ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે.
કોન્ગ્રેસનાં પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સમક્ષ જણાવ્યું છે કે, OBC સમાજને ચૂંટણીમાં અનામત આપી, રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીઓ તાકીદે કરાવવામાં આવે. અત્રે નોંધનીય છે કે રાજ્યમાં 71,000 ગ્રામ પંચાયતો, 75 નગરપાલિકાઓ, 18 તાલુકા પંચાયતો અને ખેડા તેમજ બનાસકાંઠા જિલ્લા પંચાયતની મુદતો ઘણાં સમય પહેલાં પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કરાવવામાં આવતી નથી ! બધે જ અધિકારીરાજ !
બીજો મુદ્દો : સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, રાજય સરકારોએ વસતિના ધોરણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં OBC સમાજને અનામત આપવાની થાય છે. ગુજરાત સરકાર દ્વારા જૂલાઈ-2022નાં જાહેરનામાથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં OBC અનામત સંપૂર્ણ નાબુદ કરી દેવામાં આવી છે. જેનાં પડઘા ગુજરાતમાં પડ્યા છે. આ મુદ્દે અભ્યાસ માટે સરકારે તા.08-07-2022નાં રોજ આયોગની રચના કરી છે. આયોગે 90 દિવસમાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરવાનો હતો. એ પછી આ તારીખ લંબાવવામાં આવી. અંતિમ તારીખ 12 માર્ચ નક્કી કરવામાં આવી હતી. જો કે આજની તારીખે આ આયોગનો રિપોર્ટ સરકારે જાહેર કર્યો નથી, એમ પણ કોન્ગ્રેસનાં આવેદનપત્રમાં જણાવાયું છે. કોન્ગ્રેસનો આક્ષેપ છે, સરકારની માનસિકતા OBC સમાજની વિરૂદ્ધની છે. આ ઉપરાંત કોન્ગ્રેસે એમ પણ કહ્યું કે, રાજ્યમાં બાવન ટકા વસતિ ધરાવતાં આ સમાજ માટે સરકાર બજેટમાં એક ટકો રકમ પણ ફાળવતી નથી.
આ આવેદનપત્રમાં એમ પણ કહેવાયું છે કે, પંચાયત ધારા મુજબ – છ મહિનાથી વધુ સમય માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટદાર ન મૂકી શકાય, આમ છતાં સરકાર ચૂંટણીઓ કરાવતી ન હોય રાજ્યપાલ આ મુદ્દે હસ્તક્ષેપ કરે અને ચૂંટણીઓ યોજવા સંદર્ભે સરકારને નિર્દેશ આપે. સરકાર ચૂંટણીઓ કરાવતી ન હોય, OBC સમાજમાં રોષ ફેલાયો છે એમ પણ આવેદનપત્રમાં જણાવાયું છે.