Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયથી જુદીજુદી શૈક્ષણિક સંસ્થાઓ સમાચારોમાં ચમકતી રહે છે, આવી સંસ્થાઓમાં નાનામોટા અનિચ્છનીય બનાવો બનતાં રહે છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે આ બધી બાબતો એક કલંક સમાન સાબિત થઈ રહી છે. જે સંસ્થાઓ ઉપરાંત વાલીઓ અને વિદ્યાર્થીજગત માટે પણ ચિંતાનો વિષય લેખાવી શકાય.
આજથી થોડા સમય અગાઉ જામનગરની અલગઅલગ ત્રણેક શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આંતરિક ઝઘડાની ઘટનાઓ બનેલી જેની વિગતો શહેરભરમાં ચર્ચાઓમાં રહી, જો કે એમાંથી એકેય મામલો એકેય સત્તાવાળાઓ સમક્ષ લઈ જવામાં આવ્યો ન હતો, શાળા કક્ષાએ માફામાફી પતી ગયેલી.
ત્યારબાદ શહેરની સરકારી શૈક્ષણિક સંસ્થા નવાનગર હાઈસ્કૂલ ખાતે પણ એક બનાવ બનેલો. એ પ્રકરણમાં જો કે શિક્ષિકાએ માફી પણ માંગવી પડી છે. અને, શિક્ષણ વિભાગ દ્વારા મોહિનીબેન પટેલ નામના આ શિક્ષિકાને શો-કોઝ નોટિસ પણ આપવામાં આવી છે. આ નોટિસનો લેખિત જવાબ તેઓ આવતીકાલે બુધવારે શિક્ષણ વિભાગને આપશે એમ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આજે સવારે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીત દરમ્યાન જણાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, આ શિક્ષિકાએ વિદ્યાર્થીના વાલીઓ સાથે પણ જરૂરી વાતચીત કરી લીધી. અત્રેની કચેરી દ્વારા પણ શિક્ષિકાને ઠપકો આપવામાં આવ્યો છે. જો કે શૈક્ષણિક બાબતોમાં આ શિક્ષિકાનો ટ્રેક રેકોર્ડ સારો રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ સંસ્થામાં એક વિદ્યાર્થીના માથાના વાળ કાપી નાંખવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત આવો અન્ય એક બનાવ ખંભાળિયા રોડ પર આવેલાં સ્વામીનારાયણ ગુરૂકુળ શાળામાં બન્યો હોવાનું જાહેર થયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ ગુરૂકુળ અનેકવખત વિવાદોમાં સપડાતું રહે છે,
તાજેતરમાં આ ગુરૂકુળના રમતગમત અને શારીરિક શિક્ષણ વિભાગના ધનંજય નામના કોઈ શિક્ષકે ધોરણ-4 ના એક વિદ્યાર્થીના કાન નજીકના માથાના વાળ એવી રીતે બ્લેડથી કાપી નાંખ્યા જાણે આ વિદ્યાર્થીને માથામાં ઉંદરીનો રોગ થઈ ગયો હોય ! આ ઘટના સમયે બાળકને માથામાં બ્લેડ વાગી ગઈ હોત અને કોઈ ગંભીર ઈજાઓ થઈ ગઈ હોત, તો ?! એ શક્યતા ધ્રૂજારો ઉપજાવે તેવી છે અને નાનો બાળક આ પ્રકારની કેટલી હદે ડરી જાય, તેના પર થયેલો માનસિક ત્રાસ કેટલો ખતરનાક હોય શકે ? વગેરે બાબતો અતિ ગંભીર છે. શૈક્ષણિક સંસ્થાઓએ બાળકોનું ઘડતર કરતાં પહેલાં પોતાના સ્ટાફનું ઘડતર કરવું જોઈએ એમ આ જંગલી કૃત્ય પરથી સમજાઈ રહ્યું છે.
આ પ્રકરણ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીત દરમ્યાન જણાવ્યું કે,
આ ગંભીર બાબત લેખી શકાય. જેની તપાસ તાલુકા કક્ષાના શિક્ષણ અધિકારીને સોંપવામા આવી છે, આજે તપાસ બાદ સાંજ સુધીમાં આ રિપોર્ટ કચેરીમાં દાખલ થઈ શકે છે. ત્યારબાદ રિપોર્ટના આધારે જરૂરી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલામાં RTE અંતર્ગત સંસ્થા વિરુદ્ધ પણ કાર્યવાહીઓ થઈ શકે અને શિક્ષક વિરુદ્ધ કાર્યવાહીઓ કરવા અંગે સંસ્થાને ફરજ પણ પાડી શકાય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, શિક્ષકના આ જંગલી કૃત્યને કારણે હેતાંશ નામનો આ નાનો બાળક અતિ ગભરાટ અનુભવી રહ્યો છે અને તેના પિતા મિતેન ભટ્ટ દ્વારા આ સંબંધે શિક્ષણ વિભાગમાં વિધિવત્ ફરિયાદ-રજૂઆત કરવામાં આવી છે. સૂત્રના જણાવ્યા અનુસાર, આ કૃત્ય આચરનાર શિક્ષકને સંસ્થાના દરવાજા બહાર જતાં રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. જામનગરના શિક્ષણજગતની આ બંને ચિંતાપ્રેરક હકીકતોને કારણે વાલીઓ અને બાળકોમાં ઘેરા પ્રત્યાઘાત ઉઠ્યા છે.