Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં મતદારો ખોબલે ખોબલે મત આપ્યા પછી, બધું જ ભૂલી જાય છે ! પોતાનાં બાળકોના શિક્ષણ, સમગ્ર રીતે આરોગ્ય સુવિધાઓ અને અન્ય સરકારી વિભાગોમાં અધિકારીઓની ખાલી જગ્યાઓને કારણે આ જ મતદારો અનેક પ્રકારની તકલીફો સહન કરતાં રહે છે ! અત્રે હાલ માત્ર શિક્ષણવિભાગની જ વાત કરીએ.
જામનગર તથા દ્વારકા સહિત સમગ્ર રાજ્યમાં શિક્ષણની સ્થિતિ ચિંતાજનક અને ગંભીર છે ! અધિકારીઓની મોટાભાગની જગ્યાઓ ખાલી છે. આ માટે ભરતીઓ કે પ્રમોશનની દિશામાં ખાસ કોઈ કાર્યવાહી થતી નથી ! જેને કારણે શાળાસંચાલકોને ‘આડકતરી’ રીતે, મનમાની ચલાવવા ઘણી સુવિધાઓ ઉપલબ્ધ બની જાય છે, કેમ કે ઇન્ચાર્જ તરીકે પદો પર બેઠેલાં અધિકારીઓને ખુરશી સાથે સંકળાયેલી જવાબદારીઓમાં ભાગ્યે જ કોઈ રસ પડતો હોય છે, તેઓનું ફોકસ મોજ સાથે ટાઇમપાસ કરવા પર હોય છે. જેની માઠી અસરો મતદારોનાં સંતાનોનાં શિક્ષણ પર જોવા મળતી હોય છે. કારણ કે, સમગ્ર શિક્ષણ ભગવાન ભરોસે ચાલતું રહે છે !
જામનગરની વાત કરીએ તો, જિલ્લા શિક્ષણાધિકારી પણ નથી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ નથી ! આખો જિલ્લો સાવ રેઢો ! દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા ખાલી ! મતદારોએ મતદાનની સાથે-સાથે પોતાનાં હિતોની રખેવાળી અંગે પણ જાગૃતિ દાખવવી જોઈએ, એવો પણ મત સમાજમાં પ્રવર્તી રહ્યો છે.