Mysamachar.in-જામનગર:
કેન્દ્રીય દરોડા એજન્સી ED દેશભરમાં કોઈ પણ સ્થળે તપાસ કરે કે દરોડા પાડે ત્યારે, એ મામલો ખૂબ જ મહત્વપૂર્ણ અને ગંભીર હોય છે. આ પ્રકારના એક મામલામાં, EDએ રાજ્યભરમાં 19 સ્થળે એકસામટા પહોંચી જઈ અત્યંત મહત્ત્વપૂર્ણ તપાસ હાથ ધરી. આ મામલામાં મની લોન્ડરિંગનો ગુનો બને છે કે કેમ, તેની પણ તપાસ થઈ રહી છે. આ મામલામાં જામનગરનું પણ નામ ચમકયું છે પરંતુ સંબંધિત સ્થાનિક અધિકારી આ બાબતે પોતે ‘અજાણ’ છે- એવું કહી રહ્યા છે.
આ સમગ્ર મામલાની જાહેર થયેલી વિગતો એવી છે કે, EDએ ગુજરાતમાં એકસાથે 19 ઠેકાણાં પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મની લોન્ડરિંગ એક્ટ મુજબ કાર્યવાહીઓ થઈ રહી છે, આ ઓપરેશનમાં જામનગરનું પણ નામ છે. જામનગર જિલ્લાની પોસ્ટ કચેરી પણ ચર્ચામાં છે, જો કે- જામનગર પોસ્ટ કચેરીના સુપ્રિટેન્ડેન્ટ ઘણી બધી પૂછપરછ બાદ Mysamachar.in સાથેની વાતચીતમાં એટલું જ બોલ્યા કે, આવી કોઈ બાબત હાલ મારાં ધ્યાન પર નથી, ઓફિસમાં ફાઈલ જોવી પડે. EDની તપાસ આવી હતી કે કેમ- એ પ્રશ્નનો ઉત્તર માત્ર હા કે ના માં પણ આપી શકાય, પરંતુ આ અધિકારીએ હાલ પોતે આઉટ ઓફ સ્ટેશન હોવાનું અને ફોનમાં કશો જવાબ આપવા સમર્થ ન હોવાનું જણાવ્યું છે.
અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, EDના ગુજરાતમાં આ દરોડા અને સર્ચ ઓપરેશન દરમિયાન રૂ. 1 5 કરોડની મિલકત જપ્તી પણ કરવામાં આવી છે. રાજ્યની વિવિધ પોસ્ટ કચેરીમાં સરકારી નાણાં સાથે કથિત રીતે ‘ખેલ’ પડ્યો છે. જેતે સમયે, ACB ગાંધીનગર દ્વારા એક FIR દાખલ કરવામાં આવેલી. જેના આધારે ED દ્વારા આ સર્ચ ઓપરેશન અને દરોડાની કામગીરીઓ હાથ ધરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્ર જણાવે છે.
એમ કહેવાય છે કે, પોસ્ટના કેટલાંક સંબંધિત અધિકારીઓએ બંધ પડેલાં RD ખાતાં ફરીથી ખોલાવી, સરકારી નાણાં સાથે કોઈ ગોલમાલ કરી છે. આખો મામલો રૂ. 18.60 કરોડનો હોવાનું બહાર આવ્યું છે. 29મી નવેમ્બરે જામનગર ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ વગેરે સ્થળોએ તપાસ થઈ હોવાનું સૂત્ર કહે છે પરંતુ જામનગર અધિકારી ફાઈલ જોયા પહેલાં આ અંગે કશું બોલવા રાજી નથી.