Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યની એક પણ મહાનગરપાલિકામાં એક પણ મ્યુ. કમિશનર પોતાની ફરજ ચૂકી ગયા છે અથવા ચૂકી રહ્યા છે કે કેમ, તે અંગે તપાસ કરો અને 4 જૂલાઈ સુધીમાં આ તપાસ રિપોર્ટ વડી અદાલત સમક્ષ પેશ કરો- આ મતલબનો આદેશ વડી અદાલતે રાજ્યના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરીને આપ્યો છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે જાતે તપાસ ચલાવી રહેલી વડી અદાલત એક પણ મુદ્દો છૂટી ન જાય તે રીતે આગળ વધી રહી છે અને રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં કયાંય કોઈ કચાશ ન રહી જાય, ભવિષ્યમાં દુર્ઘટનાઓ નિવારી શકાય તે રીતે સમગ્ર તંત્ર ગોઠવાયેલું છે કે હવે ગોઠવાઈ રહ્યું છે કે કેમ, તે જાણવા ઈચ્છે છે અને આ બાબતે છટકબારીઓ બંધ કરવા ચાહે છે.
મોરબી પુલકાંડ, હરણી બોટકાંડ અને પછી રાજકોટ અગ્નિકાંડ- આ ત્રણ દુર્ઘટનાઓ દરમિયાન જાહેર થયું કે, કોર્પોરેશન અને નગરપાલિકાઓમાં મુખ્ય અધિકારીઓ અથવા સ્ટાફ દ્વારા ક્યાંક પણ કંઈક ચૂક અવશ્ય થઈ છે અથવા ફરજમાં બેદરકારીઓ સામે આવી છે. આથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના સર્જાય નહીં તે માટે દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકામાં વડી અદાલત ચોકસાઈ ચાહે છે.
વડી અદાલતે કહ્યું: રાજ્ય સરકારે સુપરવિઝન ઓથોરિટી તરીકે જોવું જોઈએ કે, દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકામાં મુખ્ય અધિકારી કાંઈ ચૂકી નથી જતાં ને. આ સાથે જ વડી અદાલતે સરકારને એ પણ સૂચનાઓ આપી કે, રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે 3 સભ્યોની ફેકટ ફાઈન્ડિંગ સમિતિ નીમવામાં આવે.
વડી અદાલતે એમ પણ કહ્યું: આ ફેકટ ફાઈન્ડિંગ સમિતિ, શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ આ સંદર્ભે દરેક મહાનગરપાલિકામાં તપાસ કરે, એક પણ કસૂરવાર બચી જવો ન જોઈએ અને આ રિપોર્ટ વડી અદાલત સમક્ષ મૂકવામાં આવે. વડી અદાલતે ત્યાં સુધી કહ્યું: મોરબી, વડોદરા અને રાજકોટની દુર્ઘટનાઓ સાબિત કરે છે કે, મુખ્ય સ્થાનિક અધિકારીઓ બેદરકાર રહ્યા અથવા ફરજો ચૂકી ગયા. આ ત્રણેય દુર્ઘટનાઓ જાહેર સ્થળોએ બની, જેની સંપૂર્ણ જવાબદારીઓ મુખ્ય સ્થાનિક અધિકારીઓની હોય છે. આ બધી બાબતોમાં સુધારાઓ લાવવાની જવાબદારીઓ શહેરી વિકાસ વિભાગની છે, એમ પણ વડી અદાલતે કહ્યું અને યોગ્ય પગલાંઓ ભરવા જણાવ્યું.(file image source:google)