Mysamachar.in:ગુજરાત
મજાકમાં એમ કહેવાય છે કે, મોટી લોન આસાનીથી મળે અને નાની લોન મેળવતાં નાકે દમ આવી જતો હોય છે ! લોકોમાં ચાલતી આ મજાકનો રિઝર્વ બેંક દ્વારા ઉપાય શોધી કાઢવામાં આવ્યો છે. આવતીકાલે ગુરુવારથી રિઝર્વ બેંક એક પ્રોપીપલ પ્લેટફોર્મ શરૂ કરવા જઇ રહી છે, જેનાં માધ્યમથી લોકો નાની લોન આસાનીથી મેળવી શકશે એવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, બેંક પબ્લિક ટેકનોલોજી પ્લેટફોર્મ શરૂ કરી રહી છે.
આ ડિજિટલ પ્લેટફોર્મ ઓપન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓપન એપ્લિકેશન પ્રોગ્રામિન્ગ ઇન્ટરફેસ અને વિવિધ સ્ટાન્ડર્ડ મુજબ સજજ હશે. જેથી તેને નાણાંકીય ક્ષેત્રનાં તમામ યુનિટ સાથે પ્લગ એન્ડ પ્લે મોડલ મુજબ કોઇ પણ મુશ્કેલી વિના જોડી શકાય. API એક એવો સોફ્ટવેર છે જે બે એપ્લિકેશનને એકબીજા સાથે સંપર્ક પ્રસ્થાપિત કરવાની મંજૂરી આપે છે.
રિઝર્વ બેન્કે એ પણ જાહેર કર્યું છે કે, આવતીકાલથી આ પાયલોટ પ્રોજેકટ શરૂ થશે જે શરૂઆતનાં તબકકાઓમાં વંચિત વિસ્તાર પર ફોકસ કરશે. આ પાયલોટ પ્રોજેક્ટ પ્લેટફોર્મ પર બેન્કો રૂ.1.60 લાખની કિસાન ક્રેડિટ કાર્ડ લોન, દૂધ ઉત્પાદન લોન, MSME ઉદ્યોગોને કોઈ પણ જામીન વગર લોન અને પર્સનલ તથા હોમલોન આપવાનું કામ કરી શકાશે. રિઝર્વ બેન્કને એવી આશા છે કે, જેઓ પાસે લોન લેવાની તકો નથી તેઓને આ પ્લેટફોર્મ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
આ પબ્લિક ટેક પ્લેટફોર્મ પર આધાર દ્વારા ઇલેક્ટ્રોનિક KYC, રાજય સરકારોનાં જમીનોનાં રેકર્ડ, PANની માન્યતા, આધાર ઈ-સિગ્નેચર અને ઘર અને મિલકતની શોધનું કામ કરી શકાશે. પ્રાયોગિક ધોરણે અમલવારી દરમિયાન જે અનુભવો થશે તેને આધારે વધુ પ્રોડક્ટ્સ, માહિતી પ્રદાતાઓ અને ધિરાણકર્તાઓને આ પ્લેટફોર્મનાં દાયરામાં સમાવી લેવામાં આવશે એમ રિઝર્વ બેન્કે કહ્યું છે.






