Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકારનાં કાયદા પંચે સરકારને ભલામણ કરી છે કે, અવાજનાં પ્રદૂષણથી પિડાતા નાગરિકો ખૂબ સરળતાથી પોતાની ફરિયાદ નોંધાવી શકે તે માટે સરકારે આ ફરિયાદ વિભાગ ઓનલાઇન કરવો આવશ્યક લેખાય. કાયદા પંચની આ ભલામણમાં વધુમાં એમ પણ કહેવાયું છે કે, માણસો તથા પશુઓ માટે હાનિકારક એવાં અવાજનાં પ્રદૂષણને ફેલાવતાં કસૂરવારોને દંડવા માટેની તથા તેઓનાં સાધનો ( મશીનરી વગેરે) કબજે કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે તે ઇચ્છનીય લેખાશે.
પંચે જણાવ્યું છે કે, સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીઓના માધ્યમથી આવી ફરિયાદો સંબંધે એક ફોર્મ તૈયાર કરવું જોઈએ, જે ફોર્મમાં ફરિયાદી ફરિયાદની વિગત ઓનલાઇન ભરી શકે અને આ ફોર્મ ફરિયાદ વિભાગમાં ઓનલાઇન દાખલ કરી શકે. પંચે વધુમાં જણાવ્યું છે કે, કોઈ પણ નાગરિકને અવાજનું પ્રદૂષણ સહન કરવાની ફરજ ન પાડી શકાય. આવું પ્રદૂષણ ફેલાવવાની કોઈને પણ છૂટ ન મળે તે સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ.
પંચે પોતાની ભલામણોમાં કહ્યું છે કે, ગુજરાત સરકારે આ વિષયમાં સર્વોચ્ચ અદાલતનાં ચુકાદાને અનુસરવું જોઈએ અને આ માટે ઉતરપ્રદેશના ફરિયાદ-નિકાલ મોડેલને અપનાવવું જોઈએ. પંચે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં અભાવે તથા ફાસ્ટ લાઈફને કારણે દેશનાં સંખ્યાબંધ શહેરોમાં લોકો અવાજનાં પ્રદૂષણથી પિડાઈ રહ્યા છે. આ એક મોટી સમસ્યા છે. લોકોનાં માનસિક આરોગ્યને અસરો પહોંચી રહી છે, જેને કારણે માણસનાં શરીરને પણ નુકસાન થાય છે !
આ રિપોર્ટમાં જણાવાયું છે કે, અવાજને કારણે લોકોમાં બહેરાશ વધી રહી છે. લોકો ઉગ્રતા અને વ્યગ્રતા તથા બેચેની અનુભવી રહ્યા છે ! હાઈ બ્લડ પ્રેશર, તણાવ, અનિંદ્રા, હતાશા અને આરોગ્યને લગતી વિવિધ સમસ્યાઓ આ પ્રકારના અવાજોને લીધે પેદાં થઈ રહી છે. પંચે એમ પણ કહ્યું છે કે, રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી શહેરોમાં શાંતિ જરૂરી છે. પબ્લિક ઈમરજન્સી સિવાયનાં સમયમાં આમ થવું જરૂરી છે અને જાહેર સ્થળોએ પણ કાર્યક્રમો દરમિયાન અવાજની તીવ્રતા યોગ્ય મર્યાદાઓથી વધે નહીં તે સુનિશ્ચિત કરવું આવશ્યક લેખાય.