કેન્દ્ર સરકારની એજન્સી ‘નાફેડ’ દ્વારા ઈ-સમૃદ્ધિ પોર્ટલના માધ્યમથી ટેકાના ભાવે જણસીઓ વેચવા ઈચ્છતા ખેડૂતોની નોંધણી પ્રક્રિયાઓ પહેલી સપ્ટેમ્બરથી શરૂ થઈ છે, જેની આખરી તારીખ પંદરમી સપ્ટેમ્બર છે. પરંતુ આ નોંધણી પ્રક્રિયાઓ દરમ્યાન બે દિવસથી ખેડૂતો પરેશાન છે કેમ કે અસંખ્ય ખેડૂતો નોંધણી માટે પોર્ટલની મુલાકાત લઈ રહ્યા છે, જેથી ઉભા થયેલા ધસારાને કારણે સર્વર ડાઉન સમસ્યા અનુભવવા મળી રહી છે.
આ મામલો મોટો બનતાં આજે કૃષિમંત્રી રાઘવજી પટેલએ જાહેરાત કરી છે કે, નોંધણી માટે ખેડૂતોના ધસારાને કારણે આમ બની રહ્યું છે. આ માટે ટેકનોલોજી સાથે સંકળાયેલા અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી છે. સર્વરની ક્ષમતા ચારપાંચ ગણી વધારવાનો વિકલ્પ પણ વિચારવામાં આવશે અને જરૂર પડ્યે નોંધણી માટેની આખરી તારીખ પણ લંબાવવા અંગે વિચાર કરવામાં આવશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, જે ખેડૂત પોતાની જણસી ટેકાના ભાવે વેચાણ કરવા ચાહતા હોય એવો એક પણ ખેડૂત નોંધણી વગર બાકી ન રહી જાય, એ પ્રકારની વ્યવસ્થાઓ નિશ્ચિત કરવામાં આવશે.