Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને ‘જાડા’ વિસ્તારોમાં ઈ-બસ તરીકે આધુનિક સિટી બસ સેવા શરૂ થશે. આ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસને કેવું સ્વરૂપ આપવું તેના તમામ આખરી નિર્ણયો કમિશનર હસ્તક રહેશે. સ્ટેન્ડિંગ કમિટીએ આ સતાઓ એમને સોંપતો નિર્ણય જાહેર કર્યો.
સ્ટેન્ડિંગ કમિટીએ આજની બેઠકમાં આ નિર્ણય કર્યો. આ PM-ઈ-બસ સેવાઓ માટે બસ ડેપો બનશે. મેનેજમેન્ટ તથા મેન્ટેનન્સ માટે વિવિધ પ્રકારની પોલિસી ઘડાશે. Special purpose vehicle એટલે કે spv કંપની બનશે. બોર્ડ ઓફ ડિરેક્ટરની રચના થશે. કંપની રજિસ્ટર્ડ થશે. આ બધી જ કામગીરીઓ માટેની સતાઓ સ્ટેન્ડિંગ કમિટીએ કમિશનરને સોંપણી કરી છે.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરાએ અધ્યક્ષસ્થાનેથી એવી જાહેરાત કરી કે, કોર્પોરેશન હસ્તકના જે ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ હશે તેના માટે તથા વરસાદી પાણીના નિકાલ માટે ખાસ પોલિસી બનાવવા ચોક્કસ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે. આ બધી બાબતો ભલામણ સાથે જનરલ બોર્ડમાં જશે અને બાદમાં સરકારમાં મંજૂરીઓ માટે મોકલવામાં આવશે. આજની આ બેઠકમાં રૂ. 19.59 કરોડના કામો તથા ખર્ચને મંજૂરીઓ આપવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.