Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં જોડીયા વિસ્તારમાં આવેલ ઉંડ નદીના એરિયામાં બેફામ રેતીની ખનીજ ચોરી વચ્ચે રેતી ઉપાડવા માટે ગાંધીનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતીની હરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરીને ઇ-હરાજી કરવાનો નિર્ણય કરાયો છે,
ગાંધીનગર ઉદ્યોગ અને ખાણ વિભાગના કમિશ્નર દ્વારા જોડીયાના ભાદરા ગામે ૧૩ સ્થળો, કુન્નડના બે સ્થળ મળીને કુલ ૧૪ બ્લોક બનાવીને રેતી ઉપાડવા માટે ઇ-હરાજીની જાહેરાત કરવામાં આવી છે,ત્યારે રેતી ચોરી કરતાં ખનીજ માફિયા તત્વો દ્વારા હજુ પણ જોડીયાના લખતર, આણંદા અને ભાદરા ખાતે નદીમાંથી તંત્રની મીઠી નજર હેઠળ જ બેફામ ચોરી કરીને સરકારને મોટું નુકશાન કરવામાં આવી રહ્યું છે,
ગાંધીનગર ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા જોડીયાના જે વિસ્તારમાં રેતીની ઇ-હરાજી કરવા માટે જાહેરાત કરવામાં આવી છે, ત્યાથી પણ બેફામ ચોરી કરવામાં આવતી હોવાથી રેતીના ઉપલબ્ધ અંદાજીત જથ્થાની સામે નફો કરતા ખોટ જવાની પણ શક્યતા વચ્ચે જાણકાર વર્તુળમાં ચર્ચાઇ રહ્યું છે,
તો બીજી તરફ જોડીયાના ભાદરા, કુન્નડ વગેરે સ્થળોએ રેતીની ઇ-હરાજીની જાહેરાત સામે ખનીજ માફિયા તત્વો દ્વારા બાલંભા, મોરાણા, પીઠડ વગેરે આજી નદીમાં રેતી ચોરી કરવાનો મોટાપાયે ખેલ ચાલી રહ્યો છે ત્યારે આ સ્થળોએ પણ ઇ-હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો સરકારને ફાયદો થાય તેમ છે,
આમ જોડીયામાં રેતીની ખનીજ ચોરી ડામવા માટે પહેલા તો વિવાદાસ્પદ અધિકારીની બદલી કરી કડક અધિકારીની નિમણૂંક કરીને ગાંધીનગરથી નજર રાખવામા આવે તો જ કરોડો રૂપિયાના રેતીની ખનીજ ચોરી ડામી શકાય છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.