Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેશના પશ્ચિમ કિનારે હાલારમાં આવેલું કાળિયા ઠાકોરનું યાત્રાધામ દ્વારકા જગવિખ્યાત છે અને દર વર્ષે અહીં વર્ષ દરમિયાન લાખો ભાવિકો તથા સહેલાણીઓ પધારે છે જેના પર આ સમગ્ર પંથકની આજિવિકા ટકેલી છે. આ યાત્રાધામમાં ભગવાન દ્વારકાધીશના મંદિરના શિખર પર ધ્વજા આરોહણ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગ હોય છે. અને આ ધાર્મિક કાર્યક્રમ પાછળ ભાવિકો લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ થોડાં થોડાં સમયે ધ્વજા આરોહણનો આ મામલો ખાનગીમાં અને જાહેરમાં ચર્ચાઓમાં એટલાં માટે આવે છે કેમ કે, આ શ્રધ્ધા પરંપરા એક અર્થમાં બહુ તોતિંગ બિઝનેસ હોવાનું પણ કેટલાંક જાણકારો કહે છે. હાલમાં વધુ એક વખત ધ્વજાજી સંબંધે ખૂબ મોટો વિવાદ સર્જાયો છે અને ભારે ઉહાપોહ મચી ગયો હોય, આગામી દિવસોમાં આ સંબંધે કાનૂની જંગ પણ ખેલાશે, એમ નિશ્ચિત થઈ ચૂક્યું છે. કારણ કે, ધ્વજાજી સંબંધે તોતિંગ ભ્રષ્ટાચારનો જાહેર આક્ષેપ થયો છે. અને, આ કારણોસર ધર્મનગરી દ્વારકામાં ઝંઝાવાત પેદા થયો છે.
આ સમગ્ર મામલાની સિલસિલાબંધ વિગતો એવી છે કે, ગત્ 17 જાન્યુઆરીએ જીતેન્દ્ર ડાભી નામના એક ભાવિક અને વ્હીસલ બ્લોઅરે વડાપ્રધાનને એક પત્ર પાઠવ્યો છે. આ પત્રની વિગતો ખરી છે કે ખોટી, કે અર્ધસત્ય એ તો આગામી સમયમાં ખબર પડશે પરંતુ આ વિગતો ખૂબ જ આંચકાજનક અને ગંભીર છે. વડાપ્રધાન પરના આ પત્રમાં ધ્વજાજી સંબંધે થયેલાં આક્ષેપ અતિ ચોંકાવનારા છે.
પત્રમાં જીતેન્દ્ર ડાભી લખે છે: દ્વારકાધીશ જગતમંદિરે ગત્ માસમાં મારાં મામા સાથે તથા અમારી સાથે આર્થિક છેતરપિંડી થઈ છે. આ છેતરપિંડી શિખર પર ચઢાવવામાં આવેલી ધ્વજાજી બાબતે થઈ. અમોએ સ્થાનિક સ્તરે પણ રજૂઆત કરેલી. ધ્વજાજીમાં સ્થાનીય સંચાલનમાં જબરદસ્ત ભ્રષ્ટાચાર અને કૌભાંડ ચાલતાં હોય એવી અનેક ફરિયાદો ઉઠી છે. આથી ધ્વજા આરોહણની પદ્ધતિ તથા મેનેજમેન્ટમાં ચાલતાં ‘સડા’ની આપના સ્તરે ઉંડાણપૂર્વકની તપાસ કરી, હિન્દુ સનાતનધર્મીઓની આસ્થાને દરરોજ પહોંચતી ઠેસથી રક્ષણ થઈ શકે તે માટે આ અરજી કરૂં છું, એમ અરજદારે લખ્યું છે.
અરજદાર જીતેન્દ્ર ડાભીએ વડાપ્રધાન પરના આ પત્રમાં લખ્યું છે: મારાં મામા માધાભાઈ કણઝારીયા મજૂરીકામ કરે છે અને દ્વારકા જિલ્લાના ભાટીયામાં રહે છે. તેમના દ્વારા ગત્ તારીખ 25-12-2024ના દિને, દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર 1A નંબરની ધ્વજા ચઢાવવામાં આવી હતી. આ બાબતે આપવામાં આવતું કાયદેસરનું સર્ટિફિકેટ પણ આપવામાં આવેલ હતું. અમોએ આ સર્ટિફિકેટની ખરાઈ કરી તો જાણમાં આવ્યું કે, ધ્વજાની પહોંચ તથા સર્ટિફિકેટમાં ઘનશ્યામભાઈ પાઢ લખેલું છે. આ વ્યક્તિ કોના ગોર છે, તે અમો જાણતાં નથી. આ ધ્વજા અમોને શ્રીકાંત ઉપેનભાઈ ઉપાધ્યાય ઉર્ફે મીટુભાઈ(રહે. દ્વારકા) દ્વારા પ્રાપ્ત થઈ હતી.
પત્રમાં આગળ લખાયું છે કે, આ ધ્વજાધારકે આ ધ્વજા માટે શ્રીકાંતભાઈને રૂ. 90,000 આપ્યા હતાં. જેના બદલામાં ઘનશ્યામ ભાઈના નામની રૂ. 25,000 ની પહોંચ આ ધ્વજાધારકને આપવામાં આવી હતી. રકમના આ તફાવત અંગે અરજદારે લગત પંડાઓ તથા જ્ઞાતિના કાર્યકારી પ્રમુખ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન શ્રીકાંતભાઈ નામની વ્યક્તિ બોલી: અમો ધ્વજા વેચીએ છીએ. અમે ચાર લાખની ધ્વજા પણ વેચીએ છીએ. અને વેચતા રહેશું. તમારી આ ધ્વજા બાબતે તમારે જે કરવું હોય એ તમે કરી શકો છો.
વડાપ્રધાન પરના આ પત્રમાં આગળ લખેલું છે કે, ઉપરોકત જવાબ બાદ અમોએ સંસ્થાના કાર્યકારી પ્રમુખ સાથે ફોન પર વાતચીત કરી. તેમણે આ અંગે અરજી કરવા જણાવ્યું. અને એવી ખાતરી આપવામાં આવી કે, આમાં કાંઈ ખોટું હશે અથવા કોઈની લાગણી દુભાતી હશે તો, તે અંગે જવાબદાર સામે યોગ્ય કાર્યવાહીઓ કરવામાં આવશે. આ ખાતરી બાદ અમોએ લેખિત અરજી કરી. અરજી બાદ કોઇ કાર્યવાહીઓ ન થઈ. આથી અમે ફરી કાર્યકારી પ્રમુખને ફોન કર્યો. એમણે કહ્યું: જરૂર પડ્યે બોલાવીશું અન્યથા આપ આપના સ્તરે કાર્યવાહીઓ કરી શકો છો. ત્યારબાદ સંસ્થાના જવાબદાર હોદ્દેદારોએ આજદિન સુધી અમારો પક્ષ સાંભળવા અમોને બોલાવ્યા નથી. અરજદારે વડાપ્રધાન પરના આ પત્ર સાથે જરૂરી સાધનિક પુરાવાઓ પણ જોડયા છે.
આ પત્રમાં જીતેન્દ્ર ડાભી આગળ લખે છે: ધ્વજાજી આરોહણ મેનેજમેન્ટ સંભાળતી સંસ્થા ગુગળી જ્ઞાતિ 505 સમસ્ત દ્વારકા તથા ધ્વજાજી આરોહણ સાથે જોડાયેલાં લોકો સાથે અમોએ વાતચીત કરી, ત્યારે જાણ થઈ કે- ધ્વજાજીના આરોહણમાં મોટાપાયે કૌભાંડ ચાલતું હોવા અંગે ગુગળી જ્ઞાતિના જ સિનિયર સિટીઝન દ્વારા ફરિયાદ કરાયેલી છે, જેની નકલ પણ આ પત્ર સાથે સામેલ છે.
પત્રમાં વધુમાં જણાવાયું છે કે, અમારી જાણ મુજબ દ્વારકાધીશ જગતમંદિરમાં દરરોજ 6 ધ્વજાજી ચઢાવવામાં આવે છે. તે પૈકી 2 ધ્વજાજી તત્કાલ ગણાય છે. અને બાકીની ધ્વજાનું આશરે 10 વર્ષ કે તેથી વધુ સમય માટે બુકિંગ કરી લેવામાં આવે છે. ચેરિટી કમિશનરમાં હાલની બોડીના અધિકારીઓના નામો ચડ્યા ન હોવા છતાં, અનધિકૃત રીતે ધ્વજાજીનું લાંબા અંતર સુધી બુકિંગ કરી લેવામાં આવ્યું છે. તે અંગે તપાસ કરવામાં આવે તો, તે એક અલગ કૌભાંડ બહાર આવે એમ છે.
પત્રમાં વધુમાં જણાવાયું છે કે, ” અમારાં અનુભવ તેમજ જાણ મુજબ અનેક ભાવિકો પાસેથી તત્કાલ ધ્વજા ચઢાવવા ઈચ્છુકો પાસેથી, ધ્વજાજીની નિયત રકમ ઉપરાંત અનેકગણી રકમ આસ્થાના નામે સેરવી લેવામાં આવે છે. ધ્વજાજીને બ્લેકમાં વેચવામાં આવતી હોય એવા એકથી વધુ પુરાવાઓ તપાસમાં ખૂલી શકે છે. આ ઉપરાંત દસ વર્ષ માટે જે ધ્વજા બુક કરવામાં આવી છે તેનું એનાલિસિસ કરવામાં આવે તો, અંગત મળતીયાઓ પાસેથી જ આવી ધજાઓ પૈસા દેતાં મળી જતી હોય છે અને બહુ મર્યાદિત ધ્વજા કાયદેસર રીતે બુક થયેલ હોય એવું અમારૂં માનવું છે. વડાપ્રધાન પરના આ પત્રની નકલ મુખ્યમંત્રી તથા ખંભાળીયાના સંયુકત ચેરિટી કમિશનર વગેરે સંબંધિતોને મોકલવામાં આવી છે. આ પત્ર સાથે રૂ. 90,000 Gpayથી મોકલાયાની પહોંચ વગેરે જોડવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ તારીખ 4 જાન્યુઆરીએ વિરેન્દ્ર હરજીવન વાયડા નામના એક વૃદ્ધે રાજકોટ ચેરિટી કમિશનરને મોકલેલી રજૂઆતમાં જણાવેલું કે, ધ્વજા અંગે જે ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ચાલે છે, તે બાબતે મેં આપને અગાઉ ઘણી બધી અરજીઓ આપેલી છે. આજદિન સુધી તપાસનો નિર્ણય નથી થયો. દ્વારકા ગુગળી બ્રાહ્મણ 505 ટ્રસ્ટ રજિસ્ટ્રેશન નંબર A/61 છે. હોદ્દેદારો બેંકો સાથે પણ છેતરપિંડીઓ કરે છે. તેમની પાસે કરોડો રૂપિયાની જમીનો છે.
-કાર્યકારી પ્રમુખ કહે છે કે, વળતી કાર્યવાહીઓ થશે…
આ સમગ્ર મામલા અંગે Mysamachar.in દ્વારા આ સંસ્થાના કાર્યકારી પ્રમુખ યજ્ઞેશ ઉપાધ્યાયનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, કોઈ વિવાદ છે જ નહીં. કોઈ પણ વ્યક્તિ આ સંસ્થાની ઓફિસ પર આવી ધ્વજાજી અંગે તપાસ કરી શકે છે, જાણકારીઓ મેળવી શકે છે. હાલનો વિવાદ ગુગળી જ્ઞાતિને બદનામ કરવાનો પ્રયાસ છે. જ્ઞાતિના જ કેટલાંક લોકો આવી ઉશ્કેરણીઓ કરી રહ્યા છે. રજૂઆત કરનારાઓ સત્ય તથા તથ્ય જાણતાં નથી. આ બ્લેકમેઈલીંગનો પ્રયાસ છે. અમારાં જ જ્ઞાતિબંધુઓ દ્વારા આ પ્રકારના પ્રયાસ થઈ રહ્યા છે અને હાલના આ મામલામાં તો અરજદારની પણ તપાસ થવી જોઈએ.
આ ઉપરાંત પ્રમુખે કહ્યું: હાલમાં અમો સૌ સમૂહ લગ્ન કાર્યક્રમમાં વ્યસ્ત છીએ. દરમિયાન, સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર કોઈ જ્ઞાતિની બદનામી કરી રહ્યું છે, અમો પુરાવાઓ એકત્ર કરી રહ્યા છીએ, અમારી જ્ઞાતિની કારોબારી બેઠક યોજાશે જેમાં આ મામલાની ચર્ચાઓ કરી, વળતી કાનૂની લડત આપવા અંગે નિર્ણય કરવામાં આવશે. આ માટે ફરિયાદ તથા કાયદેસરની કાર્યવાહીઓ પણ કરવામાં આવશે.