Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા થોડા સમય અગાઉ માછીમારી બોટના બોગસ રજિસ્ટ્રેશન અને લાયસન્સ અંગેનું એક મહાકૌભાંડ ઝડપી લેવામાં આવ્યું હતું. આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ સરકારનો એક નિવૃત અધિકારી છે, જે પણ હવે પોલીસના હાથમાં આવી ગયો છે. 68 વર્ષનો આ કૌભાંડી અગાઉ GMBમાં જ સુપ્રિટેન્ડેન્ટ હતો. ઘરના ઘાતકી નું આ ઉદાહરણ સામે આવી ગયું છે.
માછીમારી બોટના બોગસ રજિસ્ટ્રેશન ઉપરાંત બોગસ લાયસન્સના આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 56 આરોપીઓની અટકાયત થઈ ચૂકી છે. 52 બોટ અને 145 બોટમાલિકો વિરુદ્ધ કાર્યવાહીઓ થઈ છે. આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ તરૂણ સવાઈલાલ રાજપુરા છે, તે ભાવનગરનો છે અને નિવૃત સરકારી અધિકારી છે. ભાવનગરના અન્ય એક શખ્સ અજય ચુડાસમાની પણ ધરપકડ થઈ છે. આ બંને આરોપીઓ બનાવટી પેઢી મારફતે આ આખો બનાવટી ખેલ ખેલતા હોવાની વિગતો બહાર આવી છે.
-આ આખા ખેલમાં બધું જ બનાવટી અને કુલ કરોડો રૂપિયાનો ખેલ !!..
માછીમારોને નવી બોટ ખરીદવી ન પડતી, જૂની બોટમાં નવો અને બનાવટી બોટ રજિસ્ટ્રેશન નંબર તથા બનાવટી લાયસન્સ નંબર લાગી જાય..સરકારમાંથી ડિઝલ સબસિડી મળી જાય…એક એક બોટ પર બેંકમાંથી લાખોની લોન મળી જાય..કયાંય, કોઈ GST આપવો ન પડે…અને આ બનાવટી રજિસ્ટ્રેશનવાળી બોટ દરિયામાં શું શું કરતી હોય, એ ભગવાન જાણે ! ટૂંકમાં, હાલારના દરિયામાં આ ‘ખેલ’ ખેલાતો હતો, આખરે ખેલ ખુલ્લો પડી ગયો. જામનગર, દ્વારકા અને ભાવનગર સહિતના કેટલાંક પંથકોના કેટલાંયે કૌભાંડી ‘હોલસેલ’ માં પોલીસચોપડે ચડી જતાં, આખા રાજ્યમાં સનસનાટી મચી ગઈ છે. અંગ્રેજી નેશનલ અખબારોએ તો આ આખા મામલે રાષ્ટ્રીય સુરક્ષા બાબતે પણ ચિંતાઓ વ્યક્ત કરી.