Mysamachar.in-પોરબંદર:
અફસોસની વાત એ છે કે, ધોરીમાર્ગો પર અને શહેરોમાં જીવલેણ અકસ્માતોની વણઝાર અટકવાનું નામ લેતી નથી. વધુ એક ગમખ્વાર અકસ્માતમાં 2 મોત અને 11 ઘાયલ થયા છે, જે પૈકી 5 ની સ્થિતિઓ ગંભીર હોય, આ અકસ્માતનો મોત આંક વધી શકે છે.
કર્ણાટકના શ્રધ્ધાળુઓને લઈ એક ખાનગી મિની બસ સોમનાથથી દ્વારકા તરફ જઈ રહી હતી. આ બસ પોરબંદર નજીકના કુછડી ગામ નજીક પહોંચી ત્યારે આ ઘાતક અકસ્માત સર્જાયો. અહીં એક ટ્રક રસ્તાની ગોળાઈ પાસે બંધ હાલતમાં ઉભેલો હતો. આ સમયે મિની બસના ચાલકની બેદરકારીને પરિણામે બસ ટ્રકમાં ઘૂસી ગઈ. 2 મુસાફરોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજયા. અન્ય 11 પ્રવાસીઓને નોંધપાત્ર પ્રમાણમાં ઈજાઓ થઈ. જે પૈકી 5 શ્રધ્ધાળુઓની હાલત ગંભીર હોવાથી આ અકસ્માતનો મૃતકાંક મોટો પણ થઈ શકે છે. હાલ આ તમામ ઈજાગ્રસ્તોને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં તાકીદની સારવાર આપવામાં આવી રહી છે. બનાવની જાણ થતાં, આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો તથા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
