Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે સલાયા તથા જેતપુર તાલુકામાં રહેતા બે શખ્સો દ્વારા વાહન ભાડે ચલાવવા માટે રાખીને બારોબાર વેચી નાખી, છેતરપિંડી કરવાના આરોપમાં ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 18 લાખની કિંમતની બે મોટરકાર કબજે લીધી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજા તથા હરદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે સલાયા પંથકમાં વોચ દરમિયાન સલાયાના અહેમદનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગ કામ કરતા સાહિલ ઉર્ફે નાસીર કાસમ ગજણ અને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નવાગઢ ગામે રહેતા ઉમેદ ઉર્ફે બાવ બાઉદ્દીન જુણેજા નામના બે શખ્સોને ઝડપી લઇ અને તેઓની આગવી ઢબે પૂછપરછ કરતા આ શખ્સો દ્વારા લોકો પાસેથી વાહનો મેળવી અને છેતરપિંડી કરવા અંગેના ગુનાઓની કબુલાત આપી હતી.
પોલીસ દ્વારા પૂછતાછમાં સલાયાના આરોપી સાહિલ ગજણ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ તેના દ્વારા અલગ અલગ વાહન માલિકોને માસિક મોટી રકમનું ભાડું આપવાની લાલચ આપી, ચાર મારુતિ સુઝુકી ઈક્કો કાર તેમજ એક અર્ટીગા મોટરકાર મળી કુલ પાંચ વાહનો મેળવ્યા હતા. ત્યાર બાદ આ વાહનો તેને જેતપુર – નવાગઢ ખાતે આરોપી ઉમેદ ઉર્ફે બાવ જુણેજાને ઓછી કિંમતમાં વેચી નાખી હોવાનું ખુલવા પામ્યું છે. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 8 લાખની કિંમતની ચાર ઈક્કો કાર તેમજ રૂ. 10 લાખની કિંમતની એક અર્ટિગા મોટરકાર મળી કુલ રૂપિયા 18 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરી હતી.