Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
હાલમાં વરસાદી માહોલ છે. અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે સ્થાનિક લોકોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે જીલ્લાના બે ઉચ્ચ સનદી અધિકારીઓ જે ખુબ બહોળો અનુભવ આવી પરિસ્થિતિઓમાંથી પાર ઉતરવાનો ધરાવે છે તે જીલ્લા કલેકટર એમ.એ.પંડ્યા અને જીલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજાએ આગોતરી સમીક્ષાઓ, મુલાકાતો અને મીટીંગો ઘડિયાળ પર સમય જોયા સિવાય શરુ કરી દીધી છે,
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામે પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થતી હોય છે. જેના પગલે જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાએ અને જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજાએ રાવલ નગરપાલિકાની મુલાકાત કરી હતી. અને અધિકારીઓ સાથે વરસાદી પાણીના નિકાલ અને સાવચેતીના પગલાં લેવા અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાવલ ગામમાં પાણી ભરાતા વિસ્તારની સ્થળ પર જઈ સમીક્ષા કરી હતી. અને પાણીનો યોગ્ય નિકાલ થાય તે અંગે તકેદારી રાખવા સ્થાનિક તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત ગામમાં રહેલા સગર્ભા બહેનોની, વૃધો, અશક્ત લોકોની યાદી બનાવી જરૂર પડ્યે અન્ય સ્થળ પર રહેવાની વ્યવસ્થા કરવા અંગે પણ સૂચનાઓ આપી હતી.વધુમાં લોકોને કોઈપણ મુશ્કેલી લાગે તો જીલ્લાના કંટ્રોલરૂમનો તાકીદે સંપર્ક કરી અને જરૂરી મદદ મેળવવા માટે પણ અપીલ કરવામાં આવી છે.