Mysamachar.in-અમદાવાદ:
વર્ષ 2020-21 માં કોરોનાએ સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ હાહાકાર મચાવી દીધો હતો. એ પછી, વર્ષ 2022 થી 2024 દરમિયાન પણ, ગુજરાતમાં કોરોના અને સ્વાઈન ફ્લૂના રોગો લોકોનો પીછો છોડતા નથી. આ 3 વર્ષ દરમિયાન પણ કેસ અને મોતનો સિલસિલો આગળ વધી રહ્યો છે.
વર્ષ 2020માં કોરોના ત્રાટક્યા બાદ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં લોકોના હ્રદય ઉપરાંત ફેફસા પર પણ ઘણી અસરો દેખાઈ રહી છે. આ પ્રકારના રોગોમાં મોતની સંખ્યા નોંધપાત્ર જોવા મળી રહી છે. સરકારના રેકોર્ડ પરના આંકડા મુજબ, વર્ષ 2022 થી 2024 દરમિયાન રાજ્યમાં કોરોનાના રોગે વધુ 983 લોકોનો ભોગ લઈ લીધો છે.
વર્ષ 2022 દરમિયાન રાજ્યમાં કોરોનાના 4.46 લાખ કેસ નોંધાયા હતાં અને તે પૈકી 925 લોકોના મોત થયા હતાં. વર્ષ 2023માં 14,036 કેસ અને 38 મોત નોંધાયા હતાં. 2024માં અત્યાર સુધીમાં 1,165 કેસ નોંધાયા. જે પૈકી 20 દર્દીઓના મોત થયા છે. આ ઉપરાંત રાજ્યમાં સ્વાઈન ફ્લૂના પણ કેસ દાખલ થઈ રહ્યા છે અને તેમાં પણ ઘણાં દર્દીઓના મોત થઈ રહ્યા છે. આ વર્ષે ઓક્ટોબર સુધીમાં 1,682 કેસ નોંધાયા અને તે પૈકી 55 દર્દીઓ મોતને શરણ થયા. સ્વાઈન ફ્લૂના કેસ અને મોતની સંખ્યામાં કેરળ અને મહારાષ્ટ્ર પછી, ગુજરાતનો દેશમાં ત્રીજો ક્રમ છે.
