Mysamachar.in-જુનાગઢ:
રાજ્યમાં લેવાતી પરીક્ષાઓ અને વિવાદ જાણે એકબીજાના પર્યાય બની ચુક્યા હોય તેમ લગભગ એક પણ પરીક્ષા વિના વિવાદે સંપન્ન થતી નથી, આજથી ધોરણ દસ અને બારની પરીક્ષાઓ ચાલુ થઇ છે, ત્યારે પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓને બેસાડવા માટે નકલી રીસીપ્ટ બનાવવાના કૌભાંડનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કરતા રાજ્યભરમાં આ ઘટનાએ ચકચાર જગાવી દીધી છે, એસઓજી ટીમને ગત રાત્રીના ચોક્કસ માહિતીને આધારે રેડ કરી આધુનિક સાધનો સાથે નકલી રીસીપ્ટ સહીત ત્રણ આરોપીઓને ઝડપી પાડી આ કૌભાંડનો પર્દાફાશ કરાયો છે,
વિદ્યાર્થીનોને નકલી રીસીપ્ટ બનાવી આપી પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓને બેસાડવા માટેના કૌભાંડની પોલીસને જાણ થતાં જ ગત રાત્રીના જૂનાગઢના દોલતપર વિસ્તારમાં એક મકાન ઉપર એસઓજી પોલીસના જવાનો ત્રાટક્યા હતા. 47 જેટલી નકલી રીસીપ્ટ, આધુનિક સાધનો સહિત ત્રણ આરોપીઓને ઝડપી પડ્યા હતા. જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે એક પ્રેસ કન્ફરન્સ યોજીને માહિતી આપતા જણાવ્યું હતું કે, કાવતરાખોર ત્રણ આરોપીઓ 44 વિદ્યાર્થીઓ સહીત કુલ 47 સામે ફોર્જરી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સૌરભ સિંઘે વધુમાં જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપીઓ વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ હજારથી લઈને 20 હજાર સુધીની રકમ લઈને નકલી રીસીપ્ટ બનાવી આપતા હતા. જોકે પોલીસ જયારે દરોડો પાડ્યો ત્યારે 44 વિદ્યાર્થીઓની જે નકલી રીસીપ્ટ ઝડપાઇ હતી, પોલીસે હાલ તો મુખ્ય સૂત્રધાર જુનાગઢનો રહેવાસી રાજેશ ડાયા ગુજરાતી તેમજ કેશોદનો રણજિત ગઢવી અને બામણાસા ગામનો પ્રવીણ સોલંકી આમ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. જયારે બીજા 44 વિદ્યાર્થીઓ ફરાર હોવાનું જણાવ્યું છે,