Mysamachar.in-અમદાવાદ:
વિવિધ યોજનાઓનો લાભ લેવા અને ઓળખના મહત્વના પુરાવા તરીકે હાલના સમયમાં આધારકાર્ડ મહત્વનો પુરાવો છે, પણ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ ઝેરોક્ષની દુકાનમાં ડુપ્લીકેટ પાનકાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવીને આધારકાર્ડ બનાવતા 2 લોકોને અમરાઈવાડી પોલીસે ધરપકડ કરી છે, ઝડપાયેલા બન્ને શખ્સો છેલ્લા 3 મહિનાથી અમરાઈવાડી ખાતે આવેલ સુખરામનગરમાં ઝેરોક્ષની દુકાનમાં ખોટા પુરાવાના આધારે આધારકાર્ડ બનવતા હતા. પૈસા કમાવાની લાલચમાં છેલ્લા 3 મહિનામાં 60થી પણ વધારે આ પ્રકારના ખોટા આધારકાર્ડ બંને શખ્સોએ બનાવ્યા હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી છે, આરોપીઓ પાસેથી 48 ચૂંટણી કાર્ડ, 23 પાન કાર્ડ, 9 આધાર કાર્ડ, 18 આધાર કાર્ડ ફોર્મ, 23 આધાર કાર્ડની રશીદ, 6 પેન ડ્રાઈવ મળી કુલ રૂ. 1.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એક ડુપ્લીકેટ આધારકાર્ડ માટે ૨૦૦ થી ૩૦૦ રૂપિયા લેવામાં આવતા હતા, તો ઝડપાયેલ આરોપી સંદીપ કથેરિયા અને જીગ્નેશ કથેરિયા બંને કલેકટર કચેરી ખાતે આધારકાર્ડ બનાવવાનું જ કામ કરે છે, અને દિવસે આધારકાર્ડ બનાવ્યા બાદ રાત્રે કલેકટર કચેરી ખાતે આધારકાર્ડ માટે ઉપયોગ લેવાતા લેપટોપ ફોટો પાડવાના કેમેરા ફિંગર પ્રિન્ટ મશીન તેમજ આઇરીશ કલેકટર કચેરી ખાતેથી અન્ય કર્મચારીનું ધ્યાન ના પડે તે રીતે લઇ જઈ અમરાઈવાડી વિસ્તારમાં આવેલ ઝેરોક્ષની દુકાનમાં સ્માર્ટ વોટર આઈ.ડી તેમજ સ્માર્ટ પાન કાર્ડ નામના સોફ્ટવેર ઓપન કરીને તેમાં અન્ય ખોટા નામ સરનામાં નાંખી બનાવટી ચૂંટણી કાર્ડ અને પાનકાર્ડ બનાવતા હતા, નકલી વોટર આઇ.ડી. અને પાનકાર્ડના પુરાવાના આધારે આરોપી આધારકાર્ડ બનાવતો હતો.