Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની સાથેસાથે હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં, તાજેતરમાં સતત અને ભારે વરસાદ વરસતાં કૃષિ ક્ષેત્રમાં વ્યાપક તારાજી જોવા મળી રહી છે. ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વિવિધ પાકો નાશ પામ્યા છે, ખેતીનો સોથ વળી ગયો છે.
જામનગરની સરખામણીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો અગાઉ પણ ભારે વરસાદ નોંધાયો હતો. એ સમયે પણ ખેતીને નુકસાન થયેલું. એમાં પણ ગત્ સોમવારથી ગુરૂવાર દરમિયાન દ્વારકા અને જામનગર જિલ્લામાં એકધારો અને ભારે વરસાદ પડતાં ખેડૂતોની કમનસીબી વધુ ભયાનક બની ગઈ છે, સંખ્યાબંધ ગામડાંઓમાં તો અતિવૃષ્ટિ થઈ હોય, ખેતીની આ સિઝન જ નિષ્ફળ ગઈ છે.
બંને જિલ્લાઓના સંખ્યાબંધ વાડીખેતરોમાં આજની તારીખે પાણી ભરેલાં છે. નદીઓમાં પૂર આવતાં હજારો એકર ખેતીની જમીનોનું ખવાણ-ધોવાણ થયું છે. જળાશયોમાંથી પુષ્કળ પાણી છોડાયું તેમાં પણ જમીનોનું ધોવાણ થયું છે. વિવિધ પ્રકારના ઉભા પાક વાડીખેતરોમાં કાયમને માટે સૂઈ ગયા છે. હજારો વાડીખેતરો આજે પણ તલાવડી સમાન દેખાઈ રહ્યા છે.
આ ભારે વરસાદને કારણે ખેતીમાં થયેલાં કરોડોના નુકસાન અંગે હજુ સુધી સરકાર લેવલે કોઈ નિર્ણયની જાહેરાત થઈ નથી. સર્વે કામગીરીઓ પણ શરૂ થઈ નથી. બીજી તરફ સર્વે અને સહાય માટેની માંગ ઉઠી રહી છે. કૃષિ વિભાગ અથવા મુખ્યમંત્રી સ્તરે આ મહા નુકસાન અંગે હજુ સુધી કોઈ નીતિવિષયક નિર્ણયની જાહેરાત કે કાર્યવાહીઓ શરૂ ન થતાં ખેડૂત વર્ગમાં અજંપાની લાગણી વ્યક્ત થઈ રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરના ભારે વરસાદ દરમિયાન હાલારના સંખ્યાબંધ ગામડાંઓ દિવસો સુધી ટાપુ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયા હતાં. જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી ઉપરાંત અન્ય નુકસાન પણ કરોડોમાં છે.