Mysamachar.in-ગુજરાત:
ડ્રાય સ્ટેટ ગુજરાત અનેકવિધ ખૂબીઓ ધરાવે છે ! આ સૂકાં (આમ પાછાં ભેજવાળા અને ભેજાબાજ) રાજ્યમાં ગળું ભીનું કરવાની સુવિધા, સરકાર માઈબાપને કારણે સર્વત્ર ઉપલબ્ધ છે ! યસ, અંગૂર કી બેટી શરાબ ઉર્ફે દારૂની જ વાત છે. ગુજરાતમાં શરાબના પરમિટ ધારકોની સંખ્યા તેજ ગતિએ આગળ વધી રહી છે ! રૂપિયો, અનિદ્રા, ચિંતા અને તાણ વધી રહ્યા છે – જેનો ઉપચાર આવશ્યક છે.
આ ડ્રાય સ્ટેટ લિટરલી હાઈ સ્પિરીટ બની રહ્યું છે ! ઝડપાઈ જતાં બેનંબરી શરાબનું પ્રમાણ અને પરવાનેદારોની દુકાનેથી વેચાતાં શરાબનું પ્રમાણ વધી રહ્યું છે. નશાબંધી અને આબકારી વિભાગ શરાબની પરમિટ રિન્યુ કરવાની કામગીરી પણ ઝડપથી કરી રહ્યો છે, કામ પડતર ન રહેવું જોઈએ !
રાજ્યમાં કોવિડ હોય કે ન હોય, શરાબની પરમિટની સંખ્યા પોતાની સ્ટાઈલથી સતત વધી રહી છે. દાખલા તરીકે, 2020 માં નવેમ્બર મહિનામાં 27,452 પરમિટ ઇસ્યૂ થઈ. 2022 નાં નવેમ્બર મહિનામાં આપવામાં આવેલી પરમિટની સંખ્યા 40,921 જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં અનિદ્રા, ચિંતા અને તણાવથી વધુને વધુ લોકોને (શ્રીમંત લોકોને) શરાબ વડે ઉપચારની જરૂરિયાત ઉભી થઇ રહી છે – તબીબી રેકર્ડ આમ કહે છે, પરમિટનાં સંદર્ભમાં. અત્રે એ પણ નોંધનીય છે કે, 2021 નાં નવેમ્બર મહિનામાં 37,421 પરમિટ આપવામાં આવી, એમ રાજ્યનો પ્રોહિબીશન વિભાગ આંકડાઓ મારફતે કહે છે.
કોવિડકાળ દરમિયાન આ વિભાગમાં પરમિટ રિન્યુઅલ માટેની અરજીઓ મોટી સંખ્યામાં પડતર હતી, જેનો ઝડપથી નિકાલ થવા પામ્યો છે. નવી અરજીઓ પણ પુષ્કળ મળી રહી છે. લોકો વધુને વધુ ‘ બિમાર ‘ બની રહ્યા છે ! એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું: અનિદ્રા અને ચિંતા તથા તાણને કારણે આમ બની રહ્યું છે.
પરમિટ માટે એક આવશ્યકતા એ પણ છે કે, વાર્ષિક રૂ. 3 લાખની મિનિમમ આવક ધરાવતી વ્યક્તિએ સતત પાંચ વર્ષ સુધી આવકવેરા રિટર્ન દાખલ કર્યા હોય, એ જ વ્યક્તિ આ પરમિટ માટે અરજી કરી શકે. સોર્સ કહે છે : લોકોની લાઇફસ્ટાઇલ બદલી રહી છે, એ પણ એક કારણ છે – પરમિટની સંખ્યામાં ઉછાળો આવવાનું.
પરમિટ લીકર શોપનો એક માલિક કહે છે: શરાબના વેચાણમાં પાછલાં વર્ષની સરખામણીએ પચ્ચીસેક ટકાનો વધારો નોંધાયો છે. અને, ઈમ્પોર્ટેડ શરાબની ડિમાન્ડ વધી છે. પાછલાં એક જ વર્ષમાં આ ડિમાન્ડ પચાસ ટકા વધી. ઈન્ડિયા મેઈડ શરાબનું વેચાણ પણ વધ્યું છે. એમ એક હોટેલિયરે કહ્યું.
અમદાવાદ એરપોર્ટ જેવાં સ્થળોએ શરાબની ડયૂટી ફ્રી શોપ મોટેભાગે બંધ જેવી સ્થિતિ ધરાવતી હોય, પરમિટ લીકર શોપનો વ્યવસાય તેજીમાં છે. અને, ટ્રાવેલિંગ વધ્યું હોવાથી ઈમ્પોર્ટેડ શરાબની ડિમાન્ડ વધી રહી છે. NRG તથા NRI ગ્રાહકો ચિક્કાર કમાણી કરાવી રહ્યા છે. અમદાવાદ જેવા શહેરોમાં વધુ ને વધુ પરમિટ લીકર શોપ શરૂ થઈ રહી છે, ગિફ્ટ સિટીમાં પણ નવી પરમિટ લીકર શોપનો પ્રારંભ થશે.
-વાઈન ઉપરાંત સિંગલ મોલ્ટ વ્હીસ્કીની ડિમાન્ડ સારી છે
આધારભૂત સૂત્રો જણાવે છે : તાજેતરમાં નાતાલ અને થર્ટી ફર્સ્ટની રજાઓને કારણે વાઈન ઉપરાંત સિંગલ મોલ્ટ વ્હીસ્કીની ડિમાન્ડ સારી છે. NRI નાં ઈન્ડિયા પ્રવાસ વધી રહ્યા છે, એ પણ એક કારણ છે, આ ડિમાન્ડ પાછળ એમ અન્ય એક જાણકાર કહે છે. ઘણાં ગ્રાહકો ટેકવીલા અને સ્પાર્કિલિંગ વાઈન પણ માંગી રહ્યા છે, કોકટેલ એન્જોય માટે, એમ એક લીકર શોપ સંચાલક કહે છે.