Mysamachar.in-ગુજરાત:
ગુજરાત અને બિહાર, આમ તો કાગળ પર ડ્રાય એટલે કે દારૂબંધીવાળા રાજ્યો છે. આમ છતાં, આ રાજ્યોને પણ દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નરે દારૂ સંબંધિત સૂચનાઓ આપવી પડી છે. અને એ પણ અધિકારીઓ સાથેની ખાસ બેઠકમાં.દેશભરમાં લોકસભા ચૂંટણીઓ ચાલી રહી છે. જે અનુસંધાને દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર અને બે અન્ય ચૂંટણી કમિશ્નર દ્વારા ખાસ બેઠકો યોજી રાજ્યોને વિવિધ સૂચનાઓ આપવામાં આવી રહી છે અને ચૂંટણીઓ દરમિયાન વિશેષ કાળજી લેવા જણાવાયું છે.
મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમાર અને અન્ય બે ચૂંટણી કમિશ્નર દિલ્હીમાં વર્ચ્યુઅલ બેઠક યોજી રાજયવાર સૂચનાઓ આપી રહ્યા છે. લોકસભા ચૂંટણીઓ સંબંધે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ રહી છે. જેમાં કાલે બુધવારે બપોરે 3 થી 7 વાગ્યા દરમિયાન, સરહદી રાજ્ય ગુજરાતનો ખાસ ઉલ્લેખ થયો.
મુખ્ય ચૂંટણી કમિશનરે આ બેઠકમાં જણાવ્યું કે, ગુજરાત અને બિહાર ડ્રાય સ્ટેટ છે. એટલે એમ માનવાની જરૂર નથી કે, આ બંને રાજ્યમાં દારૂ મળતો નથી. ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત હોય, ચૂંટણીઓ સમયે દારૂની હેરફેર ન થાય તે માટે તેની ખાસ વધારે કાળજી રાખવાની જરૂર છે. આ રાજ્યમાં ચૂંટણીઓ સમયે બુટલેગિંગ રોકવાની વધારે જરૂર છે. એ જ રીતે ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થની હેરફેર રોકવા પણ ખાસ સજાગ રહેવાની જરૂર છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે એવી પણ ટીપ્પણીઓ કરી કે, પાકિસ્તાનથી ગુજરાત સરહદે ડ્રગ્સ ઘૂસે છે. તે કંટ્રોલ કરવા બોર્ડર સીલ કરવામાં આવે. અને કડકમાં કડક પગલાંઓ ભરવામાં આવે. આ બેઠકમાં ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ વર્ચ્યુઅલી સામેલ હતાં. આ અધિકારીઓએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ માટે શું કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે, તેની વિગતો ચૂંટણીપંચ સમક્ષ મૂકી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, દારૂબંધી છતાં આખા ગુજરાતમાં આડે દિવસે દારૂ મળે છે. એમ જ, ચૂંટણીઓ સમયે પણ દારૂ રાજ્યમાં અદ્રશ્ય થતો નથી. ખાણીપીણીની પાર્ટીઓ દરેક ચૂંટણીઓનો હિસ્સો હોવાનું સૌ જાણે જ છે. દર વખતે ચૂંટણીપંચ દ્વારા આ રીતે રૂટિન સૂચનાઓ અપાતી રહે છે, જેના અમલની જવાબદારીઓ રાજ્ય ચૂંટણીપંચની હોય છે.