Mysamachar.in-અમદાવાદ
અલગ અલગ પ્રકારના નશાના કાળા કારોબારમાં ડ્રગ્સનો મુદ્દો સમગ્ર દેશમાં હાલ હોટ ટોપિક બન્યો છે. ત્યારે ગુજરાતમાં પણ યુવાધનને બરબાદ કરતાં કેટલાક ડ્રગ્સ માફિયા સામે પોલીસે લાલ આંખ કરી છે અને છેલ્લા કેટલાક સમયમાં અનેક જગ્યા પર છાપો મારી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. જોકે પોલીસની કડક કાર્યવાહી બાદ હવે નશાના બંધાણીઓએ ડ્રગ્સ તરીકે કફ શિરપ અને દવાઓના ઉપયોગ કરવાના રવાડે ચઢ્યા હોવાનું સામે આવ્યું છે, અમદાવાદ ગ્રામ્ય પોલીસે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વિના આ પ્રકારની દવાઓનું વેચાણ કરનારા ત્રણ શખ્સોની ધરપકડ કરીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે શૈલેષ કુશવાહા, મહમદ શેખ અને અલ્લાઉદ્દીન મન્સૂરી નામના આરોપીની ધરપકડ કરીને 33 લાખ 27 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી મહમદ શેખ અને અલ્લાઉદ્દીન મનસુરી સાણંદ અને બાવળામાં છેલ્લા કેટલાક સમયથી બમણો ભાવ વસૂલીને આ દવાનું છૂટથી વેચાણ કરતા હતા. જ્યારે આ દવાનો જથ્થો ઓઢવમાં એક ગોડાઉનમાંથી લાવ્યા હોવાનું પોલીસને જાણવા મળતાં શૈલેષ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી.આ સમગ્ર કારોબારનો મુખ્ય આરોપી ભરત ચૌધરી જે રાજસ્થાનનો હોવાનું જાણાયું છે.
આ અગાઉ પણ એન. ડી. પી. એસ.ના બે ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. આ બધા આરોપીઓ પૂરતા પ્રમાણમાં આ દવાઓનો જથ્થો લોકોને છૂટથી પૂરો પાડતા હતા.ઝડપાયેલા શખ્સોની પૂછપરછમાં કઈક નવા ખુલાસાઓ આ મુદ્દે થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.