Mysamachar.in-અમદાવાદ:
દારૂ પી ને વાહન ચલાવતાં ઘણાં વાહનચાલકો અકસ્માત સર્જતા હોય છે અને આ પ્રકારના ડ્રંક એન્ડ ડ્રાઇવ મામલાઓમાં સર્જાતા અકસ્માતમાં લોકોના મોત પણ થતાં હોય છે, આ પ્રકારના કેસમાં વળતર મુદ્દે કાનૂની લડાઈ થતી હોય છે પરંતુ આવા એક કેસમાં હાઇકોર્ટે દૂરોગામી અસરો નીપજાવતો એક ચુકાદો આપ્યો છે, જેમાં આ પ્રકારના વાહનચાલકો અને તે વાહનોના માલિકોની જવાબદારીઓ નિશ્ચિત કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં સુનાવણી દરમિયાન અવલોકન કર્યું કે, ગુજરાતમાં દારૂબંધી છે એ સ્થિતિમાં નશાની હાલતમાં વાહનો ચલાવીને થતાં અકસ્માત કેસોમાં વળતર માટે વીમા કંપનીઓ નહીં, વાહનચાલક-માલિક ખુદ જવાબદાર બને છે. આઠ વર્ષ અગાઉનો આવો એક અકસ્માત કેસ તાજેતરમાં હાઈકોર્ટમાં આવેલો જેમાં આ દૂરોગામી અસરો નીપજાવતો ચુકાદો આવ્યો છે.
આ મામલો બનાસકાંઠામાં બનેલો. આ અકસ્માત બોલેરો વાહને સર્જેલો હતો, જે વાહન રોંગ સાઈડમાં હતું અને બોલેરોચાલક નશો કરેલી હાલતમાં હતો. આ મામલામાં એક્સિડન્ટ ટ્રિબ્યુનલે બોલેરો વાહનની વીમા કંપનીએ વળતર ચૂકવવું એવો આદેશ આપેલો. આ આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલામાં વીમા કંપનીના વકીલે એવી દલીલ કરેલી કે, ગુજરાત દારૂબંધી ધરાવતું રાજ્ય છે. અકસ્માત સમયે બોલેરોચાલક નશામાં હતો. આ સંજોગોમાં વીમા કંપની વળતર ચૂકવવા જવાબદાર નથી, આ જવાબદારી વાહનચાલક-માલિકની બને છે.
વડી અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળી લીધાં બાદ કહ્યું: ગુજરાત દારૂબંધી ધરાવતું રાજ્ય હોય, કોઈ પણ વાહનચાલક થોડી માત્રામાં પણ દારૂ પી શકે નહીં. આથી નશાની હાલતમાં વાહનચાલક અકસ્માત સર્જે તો વળતર ચૂકવવા વીમા કંપનીઓ જવાબદાર નથી. અને જો વીમા કંપનીએ વળતર ચૂકવેલું હોય તો વીમા કંપની આ રકમ પરત મેળવવા વાહનચાલક-માલિક વિરુદ્ધ દાવો નોંધાવી શકે છે.(file image)