Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં કેટલાક વાહનચાલકો બેફામ રીતે વાહનો હંકારે છે અને આવા જ કેટલાક વાહનોના ગંભીર અકસ્માતો થાય ત્યારે કોઈ મોતને ભેટે છે તો કોઈ આજીવન ખોડખાપણ પણ ભોગવે છે પણ રોડ સેફ્ટીના નિયમો આગામી સમયમાં રાજ્યમાં વધુ કડક બનવાની દિશા તરફ આગળ વધી રહ્યું તેવા અહેવાલો સુત્રો પાસેથી મળી રહ્યા છે. માર્ગો અને હાઇવે અસુરક્ષિત હોવાના કારણે સામાન્ય જનતા અને વાહનચાલકો પરેશાન થઇ રહ્યાં છે ત્યારે સુપ્રીમ કોર્ટના એક આદેશથી માત્ર ગુજરાતના જ નહીં, પણ દેશના બઘાં રાજ્યોના રોડ સેફ્ટિના નવા નિયમો છ મહિના પછી લાગુ થવાની સંભાવના છે.
રાજ્ય સરકારે ચૂકાદાનો અભ્યાસ શરૂ કર્યો છે. સચિવાલયના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે રોડ સેફ્ટિના નિયમોમાં સ્પીડ લિમિટ, હેલ્મેટ અને સીટબેલ્ટ તેમજ ટ્રાફિક લાઇટ અને સિગ્નલનું મહત્વ વધારે હોય છે. ગુજરાતના શહેરી વિસ્તારમાં આ નિયમો બન્યા છે પરંતુ અદાલતના નિર્દેશ પ્રમાણે તેમાં વધુ સખ્તાઇથી નિયમો ઘડવાની તેમજ તેનો અમલ કરવાની તૈયારીઓ શરુ થઇ ચુકી છે.
ખાસ કરીને ઓવરટેકિંગ અને લેફ્ટ-રાઇટ નિયમ, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, મોબાઇલ અને ડિવાઇસ, પેડેસ્ટ્રિયન અને ઝોન જેવી બાબતોનો ખ્યાલ રાખને તેમાં સુધારો કરાશે. વાહન વ્યવહાર વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ટેકનોલોજી આધારિત નિયમો, ટ્રાફિક વ્યવસ્થા સુધારણા તેમજ ઇકો ફ્રેન્ડલી અને એડવાન્સ્ડ નિયમો ઉપરાંત જનજાગૃતિ આધારિત કાર્યક્રમો ઘડવાની આવશ્યકતા છે.અને સર્વોચ્ય અદાલતના આદેશ બાદ આગામી મહિનાઓમાં રોડ સેફ્ટીના નિયમોમાં મોટો બદલાવ આવશે તેવું પણ જોવાઈ રહ્યું છે, જો કે જાગૃત નાગરીકો કહે છે કે અદાલતના આદેશ બાદ સરકાર દ્વારા નવા નિયમો બન્યા બાદ તેની સખ્ત અમલવારી થાય તે ખુબ જરૂરી છે.