Mysamachar.in:ગુજરાત
વાહન ચલાવવુ અને કુશળતાથી વાહન ચલાવવુ એ બંને બાબતો વચ્ચે જમીન આસમાનનુ અંતર છે. ગુજરાતમાં વાહનચાલકો આડેધડ વાહનો ચલાવે છે ! જેને કારણે રાજયમાં વર્ષે હજારો અકસ્માત થઇ રહ્યા છે. અનેક લોકો મોતને ઘાટ ઉતરી જાય છે ! હજારો લોકોને શરીરના અંગો ગુમાવવા પડે છે ! લાખો માનવકલાકો ટ્રાફિક જામ જેવી બાબતોમાં વેડફાઈ જાય છે. કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થઈ રહ્યો છે !
રાજયના વર્ષ 2022ના અકસ્માત સંબંધી આંકડા ખૂબ જ ચિંતાપ્રેરક છે. આ આંકડા દર્શાવે છે કે, પાછળથી ટક્કર લગાવતા વાહનોને કારણે સર્જાયેલા અકસ્માતો સૌથી વધુ જીવલેણ પૂરવાર થઈ રહ્યા છે ! આ ઉપરાંત વાહનને સાઈડમાંથી ઠોકી દેવાના અકસ્માત પણ હજારોની સંખ્યામાં જોવા મળ્યા છે ! જે દર્શાવે છે કે, વાહનચાલકો કુશળ નથી, અણઘડ છે ! અને વાહનચાલકોની કુશળતા વધારવા તાલીમ સહિતની બાબતો પર ધ્યાન પણ આપવામાં આવતું નથી !
આંકડા કહે છે : વર્ષ 2022 દરમિયાન, રાજયમાં 6,999 અકસ્માત નોંધાયા. જેમાં કુલ 7,618 લોકો માર્યા ગયા.! આ અકસ્માતમાં હીટ એન્ડ રનના કેસ 1,429 લોકોના મોત થયા. પાર્ક થયેલા વાહનો સાથે અન્ય વાહનો અથડાઈ જવાથી 274 લોકો મોતને ભેટ ચડયા ! કોઈ વાહનને પાછળથી અન્ય વાહને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માત કેસો માં 1,997 લોકોના મોત થયા ! સાઈડમાંથી વાહન અથડાયુ હોય એવા કિસ્સાઓમાં 1,238 લોકો- રોડ પરથી વાહન ઉતરી જતાં 635 લોકોના- થાંભલા સાથે વાહન અથડાઈ જવાથી 273 લોકોના મોત થયા.
આ ઉપરાંત વાહન પલટી ખાઈ જતાં 647 લોકોના મોત થયા. વાહનોની સામસામી ટક્કરમાં 932 લોકોના જીવ ગયા. અને આ સિવાયના અકસ્માતમાં 193 લોકો માર્યા ગયા !






