Mysamachar.in-જામનગર:
કોઈ પણ મોટાં શહેરમાં ખરેખર તો સિવિલ હોસ્પિટલ એક એવો વિસ્તાર હોવો જોઈએ જ્યાં દરેક નિયમો અને કાયદાઓનું પાલન થતું હોવું જોઈએ, શાંતિ અને સ્વચ્છતા જાળવવા પણ તંત્રએ આકરી કાર્યવાહીઓ કરવી જોઈએ. તેને બદલે જામનગરની જીજી હોસ્પિટલ નજીકનો વિસ્તાર વર્ષોથી અને કાયમ વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલો રહે છે-અહીં કોઈ જ નોંધપાત્ર કામગીરીઓ થતી નથી, લાલિયાવાડીઓ ચાલતી રહે છે. અને, તંત્રો દ્વારા માત્ર ‘નાટક’ જ થતાં રહે છે.
તાજેતરમાં બે-ત્રણ દિવસ અગાઉ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ અહીં જીજી હોસ્પિટલ સામેના રોડ પરની દુકાનો અને હોટેલો પાસેથી બે-ચાર ખોખાં તથા ડબલાં ઉપડાવી, ફોટાઓ પડાવ્યા અને કામગીરીઓ કર્યાનો સંતોષ માની લીધો અને નાટક ભજવી લીધું. ત્યારબાદ, આજે સોમવારે એસ્ટેટ શાખાને ફરી શૂરાતન ચડી ગયું..ફરી અહીં આવી..ખોખાં તથા ડબલાં ઉપાડયા અને જતી રહી. નાટકનો વધુ એક અંક ભજવાયો. ફોટાઓ ખેંચાવાયા.
અત્રે ઉલ્લેખનિય છે કે, જીજી હોસ્પિટલ સામેના ભાગમાં આવેલી દુકાનો, હોટેલો, પાનની દુકાનો અને મેડિકલ સ્ટોર્સ નજીક, કાયમ, આખો દિવસ બકાલાં માર્કેટ જેવી સ્થિતિઓ હોય છે. આ રોડ મુખ્ય માર્ગ હોવાને કારણે આખો દિવસ ધમધમતો રહે છે, હજારો વાહનો અહીંથી પસાર થતાં હોય છે. જીજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના હજારો પરિવારજનો અહીં દવાઓ સહિતની ચીજો ખરીદવા ઉમટી પડતાં હોય છે.
આ તમામ દુકાનો અને હોટેલો નજીક દુકાનદારોના સામાનના ઢગલા પડ્યા હોય છે. આ ઢગલા પછી રોડ તરફ નગરજનોના ટુ વ્હીલર અને ફોર વ્હીલર આડેધડ પાર્ક થયેલાં પડ્યા હોય છે. લોકો ટોળા વળી ઉભા હોય છે, આ સ્થિતિને કારણે હનુમાન ગેટ પોલીસ ચોકીથી ડીકેવી તરફ અને હિંમતનગર-નવાગામ ઘેડ વિસ્તાર તરફ જતાં હજારો વાહનચાલકોને પારાવાર તકલીફો પડે છે, ટ્રાફિક જામ થઈ જાય છે, અકસ્માત થતાં રહે છે, દર્દીઓના પરિવારજનોએ જરૂરી ખરીદીઓ માટે રસ્તો ક્રોસ કરવો પણ અઘરો થઈ જાય છે, ગતિથી આવતાં સેંકડો વાહનોનો સતત ભય. આ પ્રકારની ભયાનક સ્થિતિઓ અહીં સવારે આઠથી રાત્રિના અગિયાર સુધી, સતત પંદર પંદર કલાક જોવા મળે છે.
અહીં એસ્ટેટ શાખા કડક બનતી નથી. વેપારીઓ પાસેથી આકરો દંડ વસૂલતી નથી. એકને એક દુકાનદાર પાસેથી કસૂર સમયે આ રીતે બે-ત્રણ વખત આકરો દંડ વસૂલવાની કાર્યવાહીઓ કરવી જોઈએ અને બાદમાં તેનું ધંધાકીય એકમ સીલ કરી દેવું જોઈએ, અદાલતમાં કેસ પણ દાખલ કરી દેવો જોઈએ, જ્યાં સુધી એસ્ટેટ શાખા આ કાર્યવાહીઓ નહીં કરે ત્યાં સુધી, આ સમસ્યાઓ હજુ બીજા વર્ષો સુધી ઉકેલાશે નહીં. ભૂતકાળમાં અહીં એક મેયર પણ આ પ્રકારની કામગીરીઓ કરાવવા મેદાને ઉતરેલા અને દુકાનદારોને અપીલ પણ કરેલી. બધું જ પાણીઢોળ. અહીંની અવ્યવસ્થાઓ કાયમી અને નિંભર છે- કોઈને પણ દાદ આપતી નથી.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ તમામ દુકાનો એક ખાનગી ટ્રસ્ટની માલિકીની જમીન પર ઉભી છે, સંચાલન લીઝ પર મહાનગરપાલિકા હસ્તક હતું. લીઝ પૂર્ણ થઈ એ વાતને પણ વર્ષો વીતી ગયા. અહીં દુકાનો પાછળ ખસેડી, આ સમગ્ર બાંધકામના આધુનિકરણની વાતો પણ મહાનગરપાલિકાએ હજારો વખત કરી છે, વર્ષો વર્ષોથી વીતી રહ્યા છે, કાગળ પર પણ આ દુકાનોની માલિકી તથા કબજા અંગે, વર્ષોથી મેલું ચાલી રહ્યું છે, હજારો નગરજનોએ કાયમ પરેશાન જ થતું રહેવાનું ?! તંત્રએ કાયમ ‘નાટક’ જ કરવાના ?! એવા અનેક પ્રશ્નો નગરજનોમાં વર્ષોથી ઉઠી રહ્યા છે, જેના જવાબો આપવા જાણે કે કોઈ જ સક્ષમ નથી, તેવી સ્થિતિઓ અને અંધેર અહીં જોવા મળે છે-વર્ષોથી.